Donald Trump: શું ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાના ટુકડા કરવા માંગે છે? અલ્બર્ટાને અલગ દેશ બનાવવા માટે અમેરિકન અધિકારીઓ અને ભાગલાવાદીઓ વચ્ચે ગુપ્ત મીટિંગો યોજાઈ હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો છે. જાણો તેલના ભંડાર અને $500 બિલિયનની લોન પાછળનું સત્ય.

અમેરિકા, શુક્રવાર
Donald Trump: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે એક મોટા સમાચાર ચર્ચાના ચકડોળે ચડ્યા છે. શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાના ટુકડા કરવાની ફિરાકમાં છે? વાત જાણે એમ છે કે, કેનેડાનો સૌથી ધનિક અને તેલના ભંડારોથી ભરેલો પ્રાંત એટલે કે ‘અલ્બર્ટા’. આ અલ્બર્ટાને લઈને હાલમાં ઓટાવા (કેનેડા) અને વોશિંગ્ટન (અમેરિકા) વચ્ચે ગંભીર તણાવ સર્જાયો છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ પ્રશાસન અને કેનેડાના ભાગલાવાદી જૂથો વચ્ચે ‘સિક્રેટ મીટિંગ્સ’ ચાલી રહી છે.
ગુપ્ત મુલાકાતો અને $500 બિલિયનનુી ડીલ
કેનેડાના અલ્બર્ટા પ્રાંતને એક અલગ સ્વતંત્ર દેશ બનાવવા માટે કેટલાક જૂથો સક્રિય થયા છે. ચોંકાવનારી વાત એ છે કે, ‘અલ્બર્ટા પ્રોસ્પરિટી પ્રોજેક્ટ’ (APP) નામના એક દક્ષિણપંથી જૂથે ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ સાથે એપ્રિલ 2025 થી અત્યાર સુધીમાં ત્રણથી વધુ વખત ગુપ્ત બેઠકો કરી લીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વાત અહીં અટકતી નથી. આ જૂથ આવતા મહિને ફરીથી અમેરિકન અધિકારીઓને મળવાનું છે. આ બેઠકમાં તેઓ નવા બનનારા દેશની આર્થિક સ્થિરતા માટે અમેરિકા પાસે $500 બિલિયન (અંદાજે 42 લાખ કરોડ)ના જંગી દેવાની માંગણી કરવાના છે. આ સમાચારે કેનેડા સરકારની ઊંઘ હરામ કરી નાખી છે.
અમેરિકાનો અસલી રસ તેલમાં છે?
સ્વાભાવિક છે કે અમેરિકા જેવો દેશ કોઈ કારણ વગર રસ ન લે. અલ્બર્ટામાં અમેરિકાના આ વધતા રસ પાછળનું મુખ્ય કારણ કાળું સોનું એટલે કે ક્રૂડ ઓઈલ છે. કેનેડા આજે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને નવાઈની વાત એ છે કે કેનેડાના કુલ ઉત્પાદનનો 85% હિસ્સો એકલું અલ્બર્ટા પૂરું પાડે છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે તો અલ્બર્ટાને ખુલ્લેઆમ કુદરતી સંસાધનોનો ભંડાર અને અમેરિકાનો સ્વાભાવિક ભાગીદાર ગણાવી દીધો છે. ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ મજાક-મજાકમાં કે ગંભીરતાથી, કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની અને તેના પર ભારે ટેરિફ નાખવાની ચીમકી આપી ચૂક્યા છે.
અલગ દેશ માટે સહી ઝુંબેશ અને સ્થાનિક સરકારનો વિરોધ
અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવા માટે સ્ટે ફ્રી અલ્બર્ટા જેવા જૂથો મેદાનમાં આવ્યા છે. તેઓ હાલમાં સમગ્ર પ્રાંતમાં લોકોની સહીઓ એકઠી કરી રહ્યા છે. તેમનો દાવો છે કે જો તેઓ 1,77,000થી વધુ પ્રમાણિત સહીઓ એકઠી કરી લેશે, તો આ વર્ષના અંત સુધીમાં કેનેડાથી અલગ થવા માટે જનમત સંગ્રહની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. જોકે, અલ્બર્ટાના હાલના મુખ્યમંત્રી (પ્રીમિયર) ડેનિયલ સ્મિથે આ વાતને સ્પષ્ટ નકારી કાઢી છે. તેમણે કહ્યું છે કે, “હું એક અખંડ કેનેડાની અંદર જ મજબૂત અલ્બર્ટા જોવા માંગું છું.” આમ, સ્થાનિક સરકાર અને ભાગલાવાદી જૂથો વચ્ચે પણ મતભેદ સ્પષ્ટ દેખાય છે.
શું અમેરિકા નવી રમત રમી રહ્યું છે?
આ આખા મામલે વ્હાઇટ હાઉસ અને અમેરિકાના વિદેશ મંત્રાલયે હાથ ઊંચા કરી દીધા છે. તેમણે સત્તાવાર રીતે કહ્યું છે કે આ મુલાકાતો સામાન્ય હતી અને તેમણે કોઈ પણ ભાગલાવાદી જૂથને સમર્થન આપ્યું નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય વિવેચકોનું માનવું કંઈક અલગ જ છે. તેઓ આ ઘટનાને અમેરિકાની ‘ઓઈલ ડિપ્લોમસી’ અથવા તો તેલની લાલચ તરીકે જોઈ રહ્યા છે. જેમ અગાઉ ઈરાક અને તાજેતરમાં વેનેઝુએલામાં તેલના ભંડારો પર કાબૂ મેળવવા અમેરિકાએ દખલગીરી કરી હતી, તેવી જ રીતે અલ્બર્ટા પર પણ તેની નજર હોઈ શકે છે.
હવે જોવાનું એ રહે છે કે કેનેડા સરકાર આ આંતરિક અને બાહ્ય દબાણને કેવી રીતે ખાળે છે અને ટ્રમ્પ પ્રશાસનનું આગામી પગલું શું હશે.











