ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને સીએમ યોગી વચ્ચે વિવાદ વકર્યો. શંકરાચાર્યએ સરકારને 40 દિવસનું અલ્ટીમેટમ આપી ગાયને રાજ્યમાતા જાહેર કરવા માંગ કરી છે. વાંચો ગંભીર આરોપો અને વિગતવાર સમાચાર.

લખનઉ, શુક્રવાર
ઉત્તર પ્રદેશના રાજકારણ અને ધર્મસત્તા વચ્ચે એક મોટો વિવાદ છેડાયો છે. જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદ એટલો ગરમાયો છે કે શંકરાચાર્ય પ્રયાગરાજના માઘ મેળામાં સંગમ સ્નાન કર્યા વિના જ નારાજ થઈને કાશી પરત ફર્યા હતા. કાશી પહોંચીને તેમણે યોગી સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે અને મુખ્યમંત્રીના હિન્દુત્વ પર સવાલો ઉભા કર્યા છે.
‘તમે પ્રમાણપત્ર માંગ્યું હતું, હવે વારો તમારો છે
શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે શંકરાચાર્ય આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સીએમ યોગી આદિત્યનાથે તેમની પાસે તેમના શંકરાચાર્ય પદ અને પરંપરાના પુરાવા માંગ્યા હતા, જે તેમણે આપી દીધા છે. હવે શંકરાચાર્યએ પલટવાર કરતા કહ્યું કે, “હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિત્યનાથ પાસેથી સાબિતી માંગું છું કે તેઓ સાચા હિન્દુ છે.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માત્ર ભગવા કપડાં પહેરવા કે મોટા ભાષણો આપવાથી કોઈ હિન્દુ નથી બની જતું. હિન્દુ હોવાની સાચી કસોટી ગાયોની સેવા અને ધર્મની રક્ષા છે.
40 દિવસનું અલ્ટીમેટમ અને નકલી હિન્દુની ચીમકી
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે રાજ્ય સરકારને પોતાની નીતિઓ સુધારવા માટે 40 દિવસનો સમય આપ્યો છે. તેમની મુખ્ય માંગણી છે કે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે અને ગૌવંશની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે. તેમણે ખુલ્લી ચેતવણી આપી છે કે, “જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી 10 અને 11 માર્ચના રોજ લખનઉમાં એક વિશાળ સંત સમાગમ યોજવામાં આવશે. આ સમાગમમાં મુખ્યમંત્રી યોગીને જાહેરમાં નકલી હિન્દુ ઘોષિત કરવામાં આવશે.” તેમનું કહેવું છે કે જે સરકાર ગાયોનું રક્ષણ નથી કરી શકતી તેને પોતાને હિન્દુવાદી સરકાર કહેવાનો કોઈ હક નથી.
યુપી માંસ નિકાસનું હબ બન્યું હોવાનો ગંભીર આરોપ
સરકારની કામગીરી પર પ્રહાર કરતા શંકરાચાર્યએ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ભારતમાંથી થતી કુલ માંસ નિકાસમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 40 ટકાથી પણ વધુ છે. તેમણે શંકા વ્યક્ત કરી કે બફેલો મીટના નામે ગૌવંશની કતલ કરીને વિદેશ મોકલવામાં આવી રહ્યું છે.
તેમણે માંગ કરી કે નિકાસ થતા દરેક કન્ટેનરનું વૈજ્ઞાનિક ઢબે DNA ટેસ્ટિંગ થવું જોઈએ. જો સરકાર આ ટેસ્ટિંગ નથી કરાવતી તો તે તેમની મૌન સંમતિ ગણાશે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જો મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવી સરકારો ગાયને સન્માન આપી શકતી હોય, તો રામ અને કૃષ્ણની પવિત્ર ભૂમિ ગણાતું યુપી માંસ નિકાસનું કેન્દ્ર કેમ બની ગયું છે?”
આ સનાતનની રક્ષાની લડાઈ છે
વર્ષ 1966માં દિલ્હીમાં થયેલા ગૌરક્ષા આંદોલનને યાદ કરતા તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે સ્વતંત્ર ભારતમાં ગાયની રક્ષા માટે માંગ કરવી ગુનો બની ગયો છે. તેમણે આરોપ લગાવ્યો કે યોગી આદિત્યનાથ પોતાના ખાસ લોકો દ્વારા શંકરાચાર્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આ લડાઈ કોઈ પદ કે પ્રતિષ્ઠા માટે નથી, પરંતુ સનાતન ધર્મના આત્મા સમાન ગૌમાતાની રક્ષા માટે છે.











