કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી હડકંપ, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

કુવૈતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ અને હાઈજેકની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. જાણો 186 મુસાફરોની સ્થિતિ અને પોલીસ તપાસની સંપૂર્ણ વિગતો.

અમદાવાદ, શુક્રવાર
હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકા સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે ફ્લાઈટને તાત્કાલિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી અને ત્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ચાલુ ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર મળી ધમકી
મળતી માહિતી મુજબ, જ્યારે વિમાન હવામાં હતું ત્યારે ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સના હાથમાં એક ટીશ્યુ પેપર આવ્યું હતું. આ સામાન્ય ટીશ્યુ પેપર ન હતું, પરંતુ તેના પર ફ્લાઈટને હાઈજેક કરવાની અને વિમાનમાં બોમ્બ હોવાની વાત લખેલી હતી. આ વાંચતાની સાથે જ ક્રૂ મેમ્બર્સ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક પાયલટને જાણ કરી હતી.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે સહેજ પણ મોડું કર્યા વગર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધ્યો હતો. સુરક્ષા પ્રોટોકોલ મુજબ, તે સમયે સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ હોવાથી, વિમાનને દિલ્હીને બદલે અમદાવાદ તરફ વાળવાનો નિર્ણય લેવાયો હતો.

186 લોકોના જીવ તાળવે ચોંટ્યા
આ ફ્લાઈટમાં કુલ 186 લોકો સવાર હતા, જેમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. બોમ્બની અફવાને કારણે થોડા સમય માટે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, પાયલટની સૂઝબૂઝથી વિમાનને સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.

પોલીસ અને બોમ્બ સ્કવોડની તપાસમાં શું મળ્યું?
અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ થતાંની સાથે જ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન. ડી. નકુમના જણાવ્યા અનુસાર, ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનના ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મુસાફરોના સામાન અને ફ્લાઈટના દરેક હિસ્સાને ચેક કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ સઘન ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. હાલમાં વિમાનના ચેકિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, પ્રોટોકોલ મુજબ આ મામલે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હજુ ચાલુ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!