અમદાવાદના પોશ વિસ્તારો બોપલ અને વટવામાં જમીન ધીમે ધીમે નીચે બેસી રહી છે. નવા સેટેલાઇટ સ્ટડીમાં થયો ખુલાસો. જાણો આ પાછળનું કારણ અને તેના ગંભીર પરિણામો.

અમદાવાદ, રવિવાર
અમદાવાદ શહેર, જે ઝડપથી વિસ્તરી રહ્યું છે, તેના માટે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એક નવા સેટેલાઈટ આધારિત સ્ટડીમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના કેટલાક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમમાં આવેલું બોપલ અને દક્ષિણ-પૂર્વમાં આવેલું વટવા, ધીમે ધીમે નીચે બેસી રહ્યા છે. આ ઘટનાને ‘લેન્ડ સબસિડન્સ’ કહેવામાં આવે છે.
આ સ્ટડી વર્ષ 2020 થી 2023 દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે આ સમયગાળામાં બોપલ અને વટવામાં જમીન પ્રતિ વર્ષ 35 mm (3.5 cm) સુધી નીચે બેસી રહી છે. આ રિપોર્ટ ‘મેપિંગ લેન્ડ સબસિડન્સ ઇન અમદાવાદ સિટી, ઇન્ડિયા’ નામથી પબ્લિશ થયો છે. આ સંશોધન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DAIICT)ના રિસર્ચર્સે સાથે મળીને કર્યું છે. આ સ્ટડીમાં સેટેલાઇટ રડાર ટેકનોલોજી (InSAR) નો ઉપયોગ કરીને જમીનની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી.
જમીન નીચે બેસવાનું કારણ શું છે?
આ સ્ટડીનો સૌથી મોટો ખુલાસો એ છે કે આ ઘટના પાછળનું મુખ્ય કારણ ભૂગર્ભજળ (ગ્રાઉન્ડ વોટર) ના સ્તરમાં થઈ રહેલો ઘટાડો છે. રિસર્ચર્સે જણાવ્યું કે, જ્યારે ભૂગર્ભજળ વધુ પડતું ખેંચવામાં આવે છે, ત્યારે પાણી નીકળી જતાં જમીનનું સ્ટ્રક્ચર નબળું પડે છે. માટી પોચી થઈ જાય છે અને સંકોચાઈ જાય છે, જેના કારણે જમીન નીચે બેસી જાય છે.
સ્ટડી અનુસાર, બોપલમાં વર્ષ 2005માં પાણીનું લેવલ આશરે 11 મીટર હતું, જે વર્ષ 2019 સુધીમાં ઘટીને 02 મીટરથી પણ ઓછું થઈ ગયું છે. તેવી જ રીતે, વટવામાં પણ વર્ષ 2005માં પાણીનું લેવલ આશરે 42 મીટર હતું, જે વર્ષ 2019માં ઘટીને 28 મીટર થઈ ગયું હતું. ભૂગર્ભજળનો આ સતત ઘટાડો જમીનને નબળી પાડી રહ્યો છે.
આ સ્ટડીમાં યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટ સેન્ટિનેલ-1 નો ડેટા ઉપયોગમાં લેવાયો છે. અમદાવાદ જેવા ઝડપથી ડેવલપ થઈ રહેલા શહેર માટે આ એક ગંભીર ચેતવણી છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.











