આ 6 નિયમોનું પાલન કરીને પિતૃઓને કરો પ્રસન્ન, મળશે પૂર્વજોના આશીર્વાદ અને સુખ-સમૃદ્ધિ

પિતૃપક્ષ 2025નો પ્રારંભ આજથી એટલે કે 7 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. આ 15 દિવસ દરમિયાન પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. જાણો આ સમયગાળામાં ભૂલથી પણ ન કરવાના 6 કામ, જેથી પિતૃઓની કૃપા હંમેશા તમારા પરિવાર પર જળવાઈ રહે.

અમદાવાદ, રવિવાર
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન-ધર્મ કરવામાં આવે છે. માન્યતા છે કે આ 15 દિવસ માટે પિતૃઓ પૃથ્વી પર પોતાના પરિવારને મળવા આવે છે. પૂર્વજોની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને વંશવૃદ્ધિ થાય છે. પરંતુ આ સમય દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, નહીં તો પિતૃઓ નારાજ થઈ શકે છે.

ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કયા 6 કામ કરવાથી બચવું જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

1. કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ટાળો
પિતૃપક્ષમાં લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, નવા બિઝનેસનો પ્રારંભ કે કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આ સમય શોક અને તર્પણ માટે છે, તેથી આવા પ્રસંગોને અન્ય સમય માટે મુલતવી રાખવા જોઈએ.

2. ખોટા શબ્દો કે છળકપટથી દૂર રહો
આ 15 દિવસ દરમિયાન અસત્ય બોલવું, અપશબ્દોનો પ્રયોગ કરવો કે કોઈની સાથે છેતરપિંડી કરવી એ પિતૃઓને નારાજ કરે છે. આ સમયગાળામાં સચ્ચાઈ અને પવિત્રતા જાળવવી ખૂબ જરૂરી છે. સાથે જ, આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ શાસ્ત્રોમાં જણાવાયું છે.

3. કેટલાક ખાસ પ્રકારના ભોજનથી બચો
પિતૃપક્ષ દરમિયાન આલ્કોહોલ, માંસાહાર, ડુંગળી, લસણ, રીંગણ, મૂળા, દૂધી અને મસૂરની દાળ જેવી તામસિક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ભોજનમાં સફેદ તલનો ઉપયોગ ન કરવો, કારણ કે તર્પણ માટે માત્ર કાળા તલનો જ ઉપયોગ થાય છે. આ ઉપરાંત, ભોજન બનાવવા માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો, તેના બદલે પિત્તળના વાસણો વધુ યોગ્ય ગણાય છે.

4. વાસી ભોજન ન ખાઓ અને ભોજન પીરસતા પહેલાં ન આરોગો
જે વ્યક્તિ પૂર્વજો માટે ભોજન તૈયાર કરી રહી છે, તેણે પોતે તે ભોજન આરોગતા પહેલાં પૂર્વજોને અર્પણ કરવું જોઈએ. સાથે જ, જરૂરિયાત મુજબ જ ભોજન બનાવવું અને વાસી ભોજન ખાવાનું પણ ટાળવું જોઈએ.

5. કોઈનું અપમાન ન કરો
આ દિવસોમાં ઘરના દરવાજે કોઈ ગરીબ, બ્રાહ્મણ, ગાય કે કૂતરો આવે તો તેનું અપમાન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે આ સ્વરૂપે પૂર્વજો આવી શકે છે. તેમને ભોજન કે દાન આપવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.

6. બ્રહ્મ મુહૂર્તમાં શ્રાદ્ધ ન કરો
પૂર્વજોનું શ્રાદ્ધ કે તર્પણ કરવા માટે બપોરનો સમય સૌથી ઉત્તમ ગણાય છે. તેથી, બ્રહ્મ મુહૂર્તમાં આ વિધિ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે બપોરનો સમય આ કાર્ય માટે પુણ્યદાયી ગણાય છે.

જો તમે આ તમામ નિયમોનું પાલન કરો છો, તો તમારા પૂર્વજોના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર જળવાઈ રહેશે, જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અપાવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!