રશિયાએ કેન્સરની પહેલી સફળ વેક્સિન બનાવીને મેડિકલ સાયન્સમાં મોટી સિદ્ધિ મેળવી છે. આ mRNA-આધારિત વેક્સિને તમામ પ્રીક્લિનિકલ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પાસ કર્યા છે. જાણો વેક્સિન કઈ રીતે કામ કરે છે અને ભવિષ્યમાં તેની શું અસર થશે.

રશિયા, સોમવાર
રશિયાએ કેન્સર સામેની લડાઈમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. દેશની Federal Medical and Biological Agency (FMBA) એ કેન્સરની એક નવી વેક્સિન તૈયાર કરી છે, જેણે તમામ પ્રીક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે.
FMBAના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવાએ તાજેતરમાં જણાવ્યું કે આ વેક્સિન, જે mRNA-આધારિત છે, હવે ઉપયોગ માટે તૈયાર છે. આ રસીનું મુખ્ય લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર છે, જે કોલોન કેન્સર તરીકે પણ ઓળખાય છે. આ જાહેરાત રશિયન સમાચાર એજન્સી TASS દ્વારા Eastern Economic Forum (EEF) માં કરવામાં આવી હતી.
વેક્સિનની સફળતા અને ટ્રાયલ્સ
સ્કવોર્ટ્સોવાએ જણાવ્યું કે આ રિસર્ચ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું, અને છેલ્લા 3 વર્ષ ફક્ત ફરજિયાત પ્રીક્લિનિકલ સ્ટડીઝ પર જ ફોકસ કરવામાં આવ્યું હતું. આ સ્ટડીઝમાં વેક્સિનની સલામતી અને અસરકારકતા સાબિત થઈ છે. ટ્રાયલ્સ દરમિયાન રિસર્ચર્સે જોયું કે આ વેક્સિનએ ટ્યુમરનું કદ ઘટાડ્યું અને તેના વિકાસને અટકાવ્યો. આ ઉપરાંત, દર્દીઓના જીવિત રહેવાના દરમાં પણ વધારો નોંધાયો.
હાલ, વૈજ્ઞાનિકો આ વેક્સિનને સત્તાવાર મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેને ક્લિનિકલ યુઝમાં લાવી શકાય.
ભવિષ્ય માટે આશા
આ વેક્સિનની સફળતાથી અન્ય પ્રકારના કેન્સરની સારવારમાં પણ નવી આશા જાગી છે. FMBAની ટીમ હાલમાં ગ્લિઓબ્લાસ્ટોમા (મગજનું કેન્સર) અને ઓક્યુલર મેલાનોમા (આંખનું કેન્સર) જેવા અન્ય કેન્સર માટે પણ વેક્સિન વિકસાવવાનું કામ કરી રહી છે, જે એડવાન્સ સ્ટેજમાં છે. જો આ વેક્સિનને વ્યાપક મંજૂરી મળે તો તે કેન્સરની સારવારમાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આનાથી વિશ્વભરના લાખો દર્દીઓને મોટી રાહત મળી શકે છે.











