ગુજરાતમાં નવો ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025’ કાયદો પસાર થયો છે, જે રોજના 12 કલાકના કામ અને ‘4 દિવસ કામ, 2 દિવસ સવેતન રજા’નો પ્રસ્તાવ લાવે છે. જાણો આ નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ, સરકારની દલીલો અને વિપક્ષના વિરોધ વિશે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત વિધાનસભામાં એક મોટો કાયદો પસાર થયો છે, જે રાજ્યના શ્રમિકોના કામના કલાકો અને ઓવરટાઇમની સિસ્ટમમાં મોટો ફેરફાર લાવશે. આ બિલ, જેનું નામ ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક’ છે, તેને ભારે વિરોધ અને ચર્ચા વચ્ચે બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ કાયદાને કારણે ગુજરાતમાં હવે શ્રમિકો રોજના 12 કલાક સુધી કામ કરી શકશે.
સરકારની દલીલ: વિકાસ અને રોજગારી માટે જરૂરી
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ બિલને રજૂ કરતી વખતે કહ્યું કે આ સુધારા રાજ્યમાં વધુ ઈન્ડસ્ટ્રીઝને લાવવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ખૂબ જ જરૂરી છે. તેમણે ખાતરી આપી કે સરકારનો આશય ઉદ્યોગોને સરળતા આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનો છે. આ કાયદાથી વધુ નોકરીઓ ઊભી થશે એવી પણ સરકારે આશા વ્યક્ત કરી છે.
વિપક્ષનો આક્રોશ: માનવતા વિરુદ્ધનો કાયદો
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ આ બિલનો સખત વિરોધ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ બિલને ‘અમાનવીય’ અને ‘બંધારણ વિરુદ્ધ’ ગણાવ્યું. તેમણે કહ્યું કે 12 કલાકનું કામ શ્રમિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને નોકરી ગુમાવવાના ડરને કારણે શ્રમિકો પાસે ના કહેવાનો કોઈ વિકલ્પ રહેતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, કોઈની નબળાઈનો ફાયદો ઉઠાવવો ગેરબંધારણીય છે.
AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તો બિલની કોપી જ ફાડી નાખી અને આક્રોશ વ્યક્ત કર્યો. ગોપાલ ઈટાલિયાએ શ્રમ વિભાગના અધિકારીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે જે અધિકારીઓ પોતે 2 કલાક બેસી શકતા નથી, તે મજૂરો માટે 12 કલાકના કામની હિમાયત કેવી રીતે કરી શકે? તેમણે પોલીસનું ઉદાહરણ આપીને કહ્યું કે સરકાર પહેલા પોતાના કર્મચારીઓને ન્યાય આપે.
નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ
આ નવા કાયદામાં ‘ફેક્ટરી એક્ટ-1948’ની 6 કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે. અહીં કેટલીક મુખ્ય જોગવાઈઓ આપેલી છે:
કામના કલાકો: હવે શ્રમિકો રોજના 12 કલાક સુધી કામ કરી શકશે, પરંતુ એક સપ્તાહમાં કુલ કામના કલાકો 48 થી વધુ ન હોઈ શકે.
સવેતન રજા: જે શ્રમિકો 12 કલાકના શિડ્યુલ પ્રમાણે 4 દિવસ કામ કરશે, તેમને પછીના 2 દિવસ માટે પૂરા પગાર સાથે રજા મળશે.
બ્રેક ટાઇમ: દર 6 કલાકે ઓછામાં ઓછા 30 મિનિટનો વિરામ ફરજિયાત રહેશે.
ઓવરટાઇમ: શ્રમિકો હવે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન 125 કલાક સુધી ઓવરટાઇમ કરી શકશે.
મહિલા શ્રમિકો: તેમની સંમતિથી, મહિલાઓ હવે રાત્રિ પાળીમાં પણ કામ કરી શકશે. જોકે, રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધીના સમયગાળામાં તેમને કામે રાખી શકાશે નહીં. સરકારનો દાવો છે કે આ નિર્ણય મહિલાઓને આર્થિક સમાનતા આપશે.











