ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે પ્રાથમિક શાળાઓનો સમય બદલાશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનાર મહારક્તદાન કેમ્પમાં શિક્ષકો ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. જાણો સંપૂર્ણ વિગતો.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. આગામી 16 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય એક દિવસ માટે બદલવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યભરમાં યોજાઈ રહેલા વિશાળ મહારક્તદાન કેમ્પના કારણે લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ દિવસે PM મોદીના જન્મદિવસની ઉજવણી અને ‘ઓપરેશન સિંદુર’ના સફળ આયોજનના ભાગરૂપે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 300થી વધુ લોકેશન્સ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સરકારી કર્મચારીઓ, જેમાં પ્રાથમિક શિક્ષકો પણ સામેલ છે, સક્રિય રીતે ભાગ લઈ શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આ સ્ટેપ લેવામાં આવ્યો છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, 16 સપ્ટેમ્બરના રોજ શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ મોટા ઈવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ જાહેરાતનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યના શિક્ષકો પણ આ સામાજિક કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપી શકે.
આ સમગ્ર પ્રોગ્રામનો હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદોને લોહી પૂરું પાડવાનો છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ જાહેરનામું તમામ જિલ્લાઓ અને શાળાઓને મોકલવામાં આવ્યું છે, જેથી કરીને આ નિર્ણયનો યોગ્ય અમલ થઈ શકે.











