શેરથા જમીન કૌભાંડ: નરસિંહજી મંદિરની 400 કરોડની જમીનનું કૌભાંડ, ગ્રામજનોનો મોરચો, કડક કાર્યવાહીની માંગ

ગાંધીનગરના શેરથામાં આવેલા નરસિંહજી મંદિરની રૂ. 400 કરોડની જમીનના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ સાથે રેલી યોજી. આ કૌભાંડમાં ભૂતપૂર્વ મામલતદાર અને ભૂમાફિયાઓની સંડોવણીના આરોપ છે. આ વિવાદની સંપૂર્ણ માહિતી માટે વાંચો.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગરના શેરથા ગામમાં રૂ. 400 કરોડની અંદાજિત કિંમતની 40 એકર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના કૌભાંડને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. આ જમીન જૂના નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની છે, જેણે હવે ગ્રામજનોને રસ્તા પર ઉતરવા મજબૂર કર્યા છે. ગામના લોકોએ મંદિરથી કલેક્ટર ઓફિસ સુધી એક વિશાળ રેલી યોજી અને તંત્ર પાસે આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો?
આ કૌભાંડમાં મુખ્ય આરોપ તત્કાલિન મામલતદાર સુનિલ આર. રાવલ અને કેટલાક ભૂમાફિયાઓ પર લાગ્યા છે. ગ્રામજનોના આરોપ મુજબ, આ લોકોએ ભેગા મળીને ખોટા દસ્તાવેજો બનાવીને અને ફેક ગણોતિયા ઊભા કરીને ટ્રસ્ટની જમીન વેચી દીધી. જમીનનો આ ટુકડો 1951-52થી નરસિંહજી મંદિર ટ્રસ્ટના કબજામાં હતો. આ વિવાદનો મૂળ એક જટિલ રેકોર્ડ ટેમ્પરિંગ અને પેન્ડિંગ કેસો છતાં આપેલા ગેરકાયદેસર આદેશોમાં છે.

રેકોર્ડમાં ચેડાં: ગામના લોકોએ જણાવ્યું કે જમીનના 7/12ના જૂના રેકોર્ડમાં 2009, 2010 અને 2011 જેવી સાલ ઉમેરીને ચેડાં કરવામાં આવ્યા છે.

નકલી ગણોતિયા: 1962-63થી 1973-74ના રેકોર્ડમાં કોઈ ગણોતિયાની નોંધ નથી, તેમ છતાં નવા ગણોતિયા ઊભા કરીને જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગેરકાયદેસર આદેશ: સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ જમીન પર સીલિંગ એક્ટ અને ગણોતધારાના કેસો પેન્ડિંગ હોવા છતાં, મામલતદારે 12 સપ્ટેમ્બર 2019ના રોજ ગેરકાયદેસર આદેશ આપીને અમુક વ્યક્તિઓના નામે જમીન કરી દીધી. ત્યારબાદ તરત જ વેચાણ દસ્તાવેજો પણ બનાવી દેવામાં આવ્યા.

પૂર્વ ધારાસભ્યનું સ્ટેન્ડ
અમદાવાદના પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલે આ લડતમાં ગ્રામજનોને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે, “અમે આ લડત ત્રણ રીતે લડીશું: પહેલું, આંદોલન; બીજું, સરકાર અને અધિકારીઓને રજૂઆત; અને ત્રીજું, કાનૂની લડાઈ. અમને પૂરો વિશ્વાસ છે કે સત્ય અને ધર્મની આ લડાઈમાં અમને સફળતા મળશે.” તેમણે ભૂમાફિયાઓને ખુલ્લી ચેતવણી આપી છે કે ગામની આ ધર્મસ્થાનની જમીનને કોઈને હડપવા દેવામાં આવશે નહીં.

ગ્રામજનોની માંગ
ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે આ કેસને સ્પેશિયલ કેસ તરીકે લઈ તાત્કાલિક તટસ્થ તપાસ કરવામાં આવે અને આ કૌભાંડમાં સામેલ તત્કાલિન મામલતદાર સુનિલ આર. રાવલ સહિત 11 જેટલા આરોપીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ કલેક્ટર દ્વારા વેચાણ નોંધો રદ કરવાનો આદેશ અપાયો હતો, પરંતુ મામલો મહેસૂલ પંચમાં પેન્ડિંગ છે. આથી, ગ્રામજનોએ સરકાર પાસે આ પ્રકરણમાં તાત્કાલિક દખલગીરીની માંગણી કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!