શું ઓછો BMI ખરેખર સારા સ્વાસ્થ્યની નિશાની છે? ડેનમાર્કમાં 85,000થી વધુ લોકો પર થયેલા એક ચોંકાવનારા અભ્યાસ મુજબ, વધુ પડતા પાતળા લોકોમાં મૃત્યુનું જોખમ ત્રણ ગણું વધારે છે. જાણો શું કહે છે આ નવો રિપોર્ટ અને શા માટે બદલાઈ રહી છે ફિટનેસની સમજ.

અમદાવાદ, ગુરૂવાર
સામાન્ય રીતે, સમાજમાં પાતળા શરીરને જ ફિટનેસ અને સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. પરંતુ, તાજેતરમાં ડેનમાર્કમાં 85,000 થી વધુ લોકો પર થયેલા એક મોટા અભ્યાસે આ માન્યતાને પડકારી છે. આ અભ્યાસના તારણો ચોંકાવનારા છે અને સૂચવે છે કે ઓછું વજન હોવું પણ જીવલેણ બની શકે છે.
અભ્યાસ મુજબ, જે લોકોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 18.5 થી ઓછો છે, તેમને વહેલું મૃત્યુ થવાનું જોખમ 22.5 થી 24.9 ની વચ્ચે BMI ધરાવતા લોકોની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. આ તારણ ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે કારણ કે સામાન્ય રીતે 18.5 થી 24.9 ના BMIને જ આદર્શ અને હેલ્થી માનવામાં આવે છે.
શું વધારે વજન હંમેશા ખતરનાક હોય છે?
આ અભ્યાસનો બીજો એક રસપ્રદ ડિસ્ક્લોઝર એ છે કે, જે લોકોનો BMI 25 થી 35 ની વચ્ચે છે, તેમને મૃત્યુનું જોખમ ખાસ નથી. જોકે, જે લોકોનો BMI 40 થી વધુ છે, તેમને મૃત્યુનું જોખમ બે ગણું હોય છે. આ દર્શાવે છે કે થોડું વજન વધારે હોવું એ તરત જ ખતરાની નિશાની નથી. ઘણા એક્સપર્ટ્સ પણ હવે આ વાત પર ભાર મૂકી રહ્યા છે કે BMI એ માત્ર એક ગણતરી છે અને તે દરેક વ્યક્તિ માટે સંપૂર્ણ માપદંડ નથી.
નિષ્ણાતોના મતે, વધુ પડતા પાતળા લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે કોઈ ગંભીર બીમારી, જેમ કે કેન્સરની કિમોથેરાપી, દરમિયાન વજન ઘટવા લાગે છે, ત્યારે શરીરને ઊર્જા માટે ચરબીની જરૂર પડે છે. શરીરમાં પૂરતી ચરબી ન હોવાથી શરીર નબળું પડી જાય છે અને અંગો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ કારણે જ પાતળાપણું પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
ડેનિશ સંશોધકોના મતે, હવે 22.5 થી 30 સુધીના BMI ને પણ સલામત ગણી શકાય છે. આ અભ્યાસનો મુખ્ય સંદેશ એ છે કે, વધુ પડતા પાતળા હોવા કરતાં થોડું વજન વધારે હોય તો તે ઓછું જોખમી છે. આ સંશોધનો હવે ફિટનેસ અને આરોગ્યની નવી સમજણ તરફ ઈશારો કરે છે.










