ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં 2 ઓક્ટોબર, 2025ના રોજ મોટો ફેરફાર. બનાસકાંઠામાંથી અલગ થઈને વાવ-થરાદ જિલ્લો અને 4 નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. જાણો આ નિર્ણયથી નાગરિકોને શું ફાયદો થશે.

બનાસકાંઠા, ગુરૂવાર
ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં 2 ઓક્ટોબર, 2025, એક સીમાચિહ્નરૂપ દિવસ બની રહેશે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના ભાગ રહેલા વિસ્તારોને સમાવીને, વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે. આ માત્ર નવા જિલ્લાની રચના નથી, પણ વહીવટી કાર્યક્ષમતા અને નાગરિક સેવાઓને લોકોની વધુ નજીક લાવવાનો એક નક્કર પ્રયાસ છે.
ચાર નવા તાલુકા પણ અસ્તિત્વમાં
વાવ-થરાદ જિલ્લાની રચના સાથે, વહીવટી માળખું વધુ સુગમ બનાવવા માટે અન્ય ચાર નવા તાલુકા પણ શરૂ થઈ રહ્યા છે. આ નવા તાલુકાઓમાં ઓગડ, ધરણીધર, રાહ અને હડાદનો સમાવેશ થાય છે. આ વિભાજનનો મુખ્ય હેતુ એ છે કે વિકાસ યોજનાઓ અને સરકારી સેવાઓ દરેક નાગરિક સુધી ઝડપી અને અસરકારક રીતે પહોંચી શકે.
કયા તાલુકાઓનો સમાવેશ?
નવા વાવ-થરાદ જિલ્લામાં કુલ આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વાવ, થરાદ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી ઉપરાંત નવા બનેલા રાહ અને ધરણીધર તાલુકાના નામ છે.
આ વિસ્તારના નાગરિકોને હવે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની સેવાઓ સ્થાનિક સ્તરે જ વધુ સરળતાથી અને પારદર્શક રીતે મળશે.
લોકોની વર્ષો જૂની માંગણી થઈ પૂર્ણ
આ ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ અને ગુજરાત સરકારના મજબૂત સંકલ્પને કારણે શક્ય બન્યો છે. આ વિસ્તારના નાગરિકોની વહીવટી સુગમતા માટેની વર્ષો જૂની માંગણી હવે પૂર્ણ થઈ છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લાના નાગરિકોને ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વિભાજન માત્ર વહીવટી સીમાઓનું છે. બનાસકાંઠા અને નવા વાવ-થરાદ જિલ્લાના નાગરિકો વચ્ચેની લાગણી, સાંસ્કૃતિક એકતા અને સંયુક્ત સંઘર્ષની ભાવના હંમેશાં અખંડ રહેશે.











