ભારતીય ન્યાય વ્યવસ્થા બુલડોઝરના શાસનથી નહીં, પણ કાયદાના શાસન (Rule of Law) થી ચાલે છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બી.આર. ગવઈ (Justice B.R. Gavai) એ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે ભારતીય ન્યાય વ્યવસ્થા બુલડોઝરના શાસનથી નહીં, પણ કાયદાના શાસન (Rule of Law) થી ચાલે છે. નોંધનીય છે કે, છેલ્લા ૧૦ દિવસમાં CJI ગવઈ દ્વારા બુલડોઝર એક્શનની નિંદા કરતું આ બીજું નિવેદન છે, જે તેમણે વિદેશની ધરતી પરથી આપ્યું છે.
મોરિશિયસમાં ‘સૌથી મોટા લોકતંત્રમાં કાયદાનું શાસન’ વિષય પર સર મૌરિસ રૉલ્ટ સ્મૃતિ વ્યાખ્યાન ૨૦૨૫નું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે આ વાત કહી. જસ્ટિસ ગવઈએ તેમના પોતાના જ એક નિર્ણયનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે ‘બુલડોઝર ન્યાય’ની સખત નિંદા કરી હતી.
જસ્ટિસ ગવઈએ ભારપૂર્વક જણાવ્યું કે, રાજકીય ક્ષેત્રમાં કાયદાનું શાસન સુશાસન અને સામાજિક પ્રગતિના માપદંડ તરીકે કાર્ય કરે છે, જે ગેરવહીવટ અને અરાજકતાથી તદ્દન વિપરીત છે. તેમણે કહ્યું કે કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ સંસ્થા કે સરકારી અધિકારી જવાબદેહીથી બચી ન શકે. ન્યાયમૂર્તિ ગવઈ હાલમાં મોરિશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે.











