ગુરુવારે મોડી રાત્રે ફિરોઝાબાદના ટુન્ડલામાં દિલ્હી-હાવડા રેલવે લાઇન પર નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો.

ગુરુવારે મોડી રાત્રે ફિરોઝાબાદના ટુન્ડલામાં દિલ્હી-હાવડા રેલવે લાઇન પર નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો.આ અકસ્માતથી ઓવરબ્રિજ બનાવવામાં લાગેલા ઘણા મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આસપાસના લોકોની ચીસો સાંભળીને પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જેસીબીની મદદથી કાટમાળ હટાવીને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
DM રમેશ રંજનના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પાંચ મજૂર ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને રેલવે હોસ્પિટલ અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના રેલવે સ્ટેશન પાસે બની હોવા છતાં, ઉત્તર મધ્ય રેલવેના જણાવ્યા મુજબ, ટ્રેનોની અવરજવર પર કોઈ અસર થઈ નથી.
મળતી માહિતી મુજબ, ઓવરબ્રિજનું શટરિંગનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે નાળાની નજીક હોવાથી માટી ધસી પડવાને કારણે આ ભાગ નીચે આવી ગયો હતો. મહત્વની વાત એ છે કે અકસ્માત બાદ કોન્ટ્રાક્ટર સ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો. પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.











