પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે શુક્રવારે પડોશી દેશ અફઘાનિસ્તાનને પાકિસ્તાનનો ‘નંબર વન દુશ્મન દેશ’ અને ‘દેશદ્રોહી’ સુધી ગણાવ્યો હતો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધોમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે શુક્રવારે પડોશી દેશ અફઘાનિસ્તાનને પાકિસ્તાનનો ‘નંબર વન દુશ્મન દેશ’ અને ‘દેશદ્રોહી’ સુધી ગણાવ્યો હતો. ખ્વાજા આસિફે અફઘાન નાગરિકોના ચાલી રહેલા મોટા પાયે હાંકી કાઢવાના પગલાને યોગ્ય ઠેરવવા માટે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં આ આક્રમક નિવેદન આપ્યું હતું.
સંરક્ષણ મંત્રીએ આક્ષેપ કર્યો કે એક તરફ અફઘાનિસ્તાનના લોકો પાકિસ્તાનમાં વેપાર કરી રહ્યા છે, તો બીજી તરફ અફઘાનિસ્તાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા આતંકવાદી સંગઠનોને શરણ આપીને પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કરી રહ્યું છે. તેમણે સંસદને જણાવ્યું કે અફઘાન તાલિબાનને TTPને સમર્થન આપવાનું બંધ કરવા માટે મનાવવાના ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા છે.
આસિફે સ્પષ્ટ ચેતવણી આપી કે, “બસ, હવે બહુ થયું! પાકિસ્તાની સરકાર અને સેનાની ધીરજ હવે જવાબ આપી રહી છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, “અમે હવે આ વધુ સહન નહીં કરીએ. જેઓ તેમને (આતંકવાદીઓને) મદદ કરી રહ્યા છે – પછી ભલે તેમના ઠેકાણા અમારી ધરતી પર હોય કે અફઘાન ધરતી પર – તેમને જવાબ આપવો પડશે.” આસિફે ચેતવણી આપી કે કોઈપણ પ્રતિક્રિયાના ગંભીર પરિણામો આવી શકે છે અને ઠેકાણા પૂરા પાડનારાઓ સહિત દરેકને તેના પરિણામો ભોગવવા પડશે.











