આઈપીએસ અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાના મામલામાં હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ચંદીગઢ પોલીસે આ કેસમાં હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજીત સિંહ કપૂર સહિત કુલ ૧૩ અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરી છે

હરિયાણાના વરિષ્ઠ આઈપીએસ અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાના મામલામાં હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ચંદીગઢ પોલીસે આ કેસમાં હરિયાણા પોલીસના ડીજીપી શત્રુજીત સિંહ કપૂર સહિત કુલ ૧૩ અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરી છે, જેના નામ અધિકારીના સુસાઇડ નોટમાં લખવામાં આવ્યા હતા. આ એફઆઈઆર સેક્ટર-૧૧ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વર્ષ ૨૦૦૧ બેચના હરિયાણા કેડરના આઈપીએસ અધિકારી વાય. પૂરન કુમારે પોતાની અનેક પાનાની સુસાઇડ નોટમાં ડીજીપી શત્રુજીત કપૂર અને રોહતકના એસપી નરેન્દ્ર બિજારણિયા સહિત કુલ ૧૩ અધિકારીઓનો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે આ વરિષ્ઠ અધિકારીઓએ તેમને માનસિક સતામણી, જાતિગત ભેદભાવ અને ઉત્પીડનનો ભોગ બનાવ્યા હતા, જેના કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને આ દુઃખદ પગલું ભરવા મજબૂર થયા હતા. હાલમાં એફઆઈઆર નોંધાયા બાદ આ સમગ્ર મામલે તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.











