BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પાકિસ્તાની ચેરમેન મોહસિન નકવી વચ્ચે વિવાદ ચાલુ છે

એશિયા કપ ૨૦૨૫ની વિજેતા ટીમ ઇન્ડિયાને હજુ સુધી ટ્રોફી સોંપવામાં આવી નથી, જેને લઈને BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પાકિસ્તાની ચેરમેન મોહસિન નકવી વચ્ચે વિવાદ ચાલુ છે. અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ ટ્રોફી વિવાદમાં BCCIના વલણને સમર્થન આપ્યું છે.
જોકે, મોહસિન નકવી પોતાના નિર્ણય પર અડગ છે. તેમણે BCCIને જણાવ્યું છે કે BCCIના કોઈ પ્રતિનિધિએ દુબઈ સ્થિત ACCના મુખ્યાલયે આવીને ટ્રોફી લઈ જવી પડશે. BCCIએ નકવીના આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને હવે આ મુદ્દાને આઇસીસી (ICC)ની આગામી બેઠકમાં ઉઠાવવાની વાત કહી છે.
મોહસિન નકવીએ એશિયા કપ ૨૦૨૫માં એવોર્ડ સમારોહમાં થયેલા વિવાદ અંગે BCCIના ૩૦ સપ્ટેમ્બરના પત્રનો જવાબ આપતા કહ્યું હતું કે, “એવોર્ડ સમારોહ શરૂ થવાના બરાબર પહેલાં ભારતીય ટીમે મારા (મોહસિન નકવી) હાથમાંથી ટ્રોફી નહીં લેવાની જાહેરાત કરી, જેના કારણે સમારોહમાં ૪૦ મિનિટનો વિલંબ થયો.”
નકવીએ વધુમાં ભારપૂર્વક કહ્યું કે, “એશિયા કપની ટ્રોફી ભારતીય ટીમની જ છે, અને BCCIના કોઈ અધિકારી અથવા તેના પ્રતિનિધિએ દુબઈ આવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલના હેડક્વાર્ટરમાંથી તેને કલેક્ટ કરવી જોઈએ.”











