અમદાવાદમાં ટ્રોકો લોજીસ્ટિક્સના માલિકે કર્મચારીઓને અંધારામાં રાખી દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો. ‘કર્મા લાઈફ’ એપ દ્વારા 8.20 લાખથી વધુની છેતરપિંડી આચરાઈ. પગારના નામે લોન પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં નોકરી કરતા સામાન્ય કર્મચારીઓ સાથે વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પગારને ડિજિટલ રૂપ આપવાની લાલચ આપીને માલિકે જ કર્મચારીઓના નામે લાખો રૂપિયાની લોન લઈ લીધી હતી. હાલના સમયમાં ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે, પરંતુ અહીં તો કંપનીના માલિકે જ પોતાના સ્ટાફના દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો છે. શહેરની ટ્રોકો લોજીસ્ટિક પ્રા.લી. નામની કંપનીના માલિક કરણ બોથરા, ઓપરેશન મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ત્રણેય પર આરોપ છે કે તેમણે કર્મચારીઓની જાણ બહાર અવન્તિકા ફાયનાન્સમાંથી કુલ 8,20,638 રૂપિયાની લોન લીધી હતી અને તેને ભરપાઈ પણ કરી નહોતી.
આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, શાકીર શેખ નામના ફરિયાદી આ કંપનીમાં કુરિયર બોય તરીકે ફરજ બજાવતા હતા. ફેબ્રુઆરી 2025માં કંપનીના મેનેજર અને સુપરવાઈઝરે કર્મચારીઓને એક નવી સ્કીમ સમજાવી હતી. તેમણે માલિક કરણ બોથરાનો હવાલો આપીને કહ્યું હતું કે હવેથી કંપની પગારમાં થતો વિલંબ ટાળવા માટે ‘ડિજિટલ સેલેરી’ પદ્ધતિ અપનાવી રહી છે. આ માટે તમામ કર્મચારીઓના મોબાઈલમાં ‘કર્મા લાઈફ’ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવી હતી. પગાર જલ્દી મળશે તેવી આશાએ કર્મચારીઓએ વિશ્વાસ મૂકીને આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વના કેવાયસી (KYC) દસ્તાવેજો અપલોડ કરી દીધા હતા. કર્મચારીઓને એમ હતું કે આ માત્ર પગાર પ્રક્રિયાનો એક ભાગ છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. કર્મચારીઓને આ એપ દ્વારા જે રકમ પગાર પેટે મળતી હતી, તે વાસ્તવમાં કંપનીએ તેમના નામે અવન્તિકા ફાયનાન્સમાંથી લીધેલી લોનની રકમ હતી. આ ગરીબ કર્મચારીઓ લોનની રકમને પગાર સમજીને વાપરતા રહ્યા અને કંપનીએ તેમના માથે દેવું વધારવાનું ચાલુ રાખ્યું.
આ ભાંડો જૂન 2025માં ત્યારે ફૂટ્યો જ્યારે શાકીર શેખના સાથી કર્મચારી સલમાન યુનુસ શેખ બજાજ ફાયનાન્સમાં મોબાઈલ લેવા માટે ગયા. ત્યાં ફાઇનાન્સરે તેમને કહ્યું કે તેમના પાન કાર્ડ પર પહેલેથી જ અવન્તિકા ફાયનાન્સની લોન બોલે છે. આ સાંભળીને સલમાનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે આવીને ઓફિસમાં વાત કરી અને જ્યારે અન્ય કર્મચારીઓએ તપાસ કરી તો બધાના નામે લોન ચાલતી હોવાનું સામે આવ્યું. શાકીર શેખે જ્યારે પોતાનું સિબિલ સ્કોર ચેક કર્યું તો તેમના નામે પણ લોન બાકી હતી. આ અંગે જ્યારે કર્મચારીઓએ માલિક અને મેનેજરને પૂછ્યું ત્યારે તેમણે બહાના બતાવ્યા અને કહ્યું કે લોન કંપની ભરી દેશે. ફેબ્રુઆરીથી મે 2025 સુધીમાં શાકીર શેખે પગાર સમજીને જે 41,330 રૂપિયા ઉપાડ્યા હતા, તે પણ લોનની જ રકમ હતી. લાંબો સમય રાહ જોવા છતાં લોન ન ભરાતાં આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે હવે 8.20 લાખના આ ફ્રોડમાં વધુ તપાસ હાથ ધરી છે કે આખરે આ દસ્તાવેજોનો બીજે ક્યાંય દુરુપયોગ થયો છે કે કેમ.










