ચેતવણી: માત્ર 40 વર્ષની ઉંમરે જ ફેફસાં બની રહ્યા છે ઘરડા! પ્રદૂષણના કારણે શ્વાસની બીમારીઓમાં 30%નો ભયજનક ઉછાળો

ગુજરાતમાં વધતા પ્રદૂષણને કારણે કોવિડ બાદ શ્વાસની બીમારીઓમાં 30% નો વધારો થયો છે. જાણો કેમ 40 વર્ષની ઉંમરે લોકોના ફેફસાં નબળા પડી રહ્યા છે અને આ સાયલન્ટ કિલરથી બચવાનો ઉપાય શું છે.

અમદાવાદ, શનિવાર
શું તમને પણ આજકાલ સીડી ચઢતી વખતે શ્વાસ ચડી જાય છે અથવા સામાન્ય કામમાં થાક લાગે છે? જો હા, તો આ માત્ર ઉંમરની અસર નથી, પણ તમારી આસપાસની ઝેરી હવાનું પરિણામ હોઈ શકે છે. ગુજરાતમાં હાલ પ્રદૂષણનું સ્તર એટલી હદે વધી ગયું છે કે જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે. તાજેતરના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. કોવિડ પછીના વર્ષોમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનોરી ડિસિઝ એટલે કે શ્વાસ સંબંધિત ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં સીધો 30% જેટલો વધારો નોંધાયો છે. ખાસ કરીને શિયાળાની શરૂઆત થતાની સાથે જ જેમને શ્વાસની તકલીફ છે, તેમના માટે મુશ્કેલીઓ વધી જાય છે.

શિયાળામાં સામાન્ય રીતે હવાની ગુણવત્તા બગડતી હોય છે. વાતાવરણમાં રહેલી ઠંડી હવા પ્રદૂષકોને ઉપર જવા દેતી નથી અને જમીનની નજીક જ પકડી રાખે છે. જેના કારણે ધૂળ, રજકણો અને વાહનોના ધુમાડાનું એક સ્તર રચાય છે, જેને આપણે સ્મોગ કહીએ છીએ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ ઝેરી કણો આપણા શરીરમાં પ્રવેશે છે. આ પ્રદૂષકો શ્વસન નળીમાં સોજો લાવે છે અને ફેફસાની કાર્યક્ષમતા ઘટાડી નાખે છે. જેના પરિણામે અસ્થમા અને બ્રોંકાઇટિસ જેવી બીમારીઓ માથું ઊંચકે છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે હવે આ બીમારી માત્ર વૃદ્ધો પૂરતી સીમિત નથી રહી. પલ્મોનોલોજિસ્ટ એટલે કે ફેફસાના નિષ્ણાત ડૉક્ટરો હવે 40 અને 50 વર્ષની વયના લોકોમાં પણ COPDના લક્ષણો જોઈ રહ્યા છે. આ ઉંમરે સતત ખાંસી રહેવી, છાતીમાં જકડન અનુભવાવી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી એ ફેફસાં નબળા પડવાની નિશાની છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવાને કારણે ફેફસાને કાયમી નુકસાન થઈ રહ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે લોકો ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ માટે જેટલા જાગૃત છે, તેટલું ધ્યાન ફેફસાના સ્વાસ્થ્ય પર આપતા નથી. હકીકતમાં જો સમયસર સારવાર મળે તો ફેફસાની બીમારીને કાબૂમાં લઈ શકાય છે.

આ સમસ્યાના નિદાન માટે ‘પલ્મોનરી ફંક્શન ટેસ્ટ’ (PFT) ખૂબ જ કારગર સાબિત થાય છે. આ ટેસ્ટ એકદમ સરળ, ઝડપી અને પીડારહિત છે, જે જણાવે છે કે તમારા ફેફસાં કેટલા ટકા કામ કરી રહ્યા છે. કમનસીબી એ છે કે ઘણા દર્દીઓ ડૉક્ટર પાસે ત્યારે પહોંચે છે જ્યારે ફેફસાને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. જો વહેલી તકે સ્ક્રીનીંગ કરવામાં આવે તો જેમ આપણે ડાયાબિટીસ સાથે જીવી શકીએ છીએ, તેમ દવાઓ અને પરેજી દ્વારા COPD ને પણ મેનેજ કરી શકાય છે. આ ટેસ્ટ માત્ર ફેફસાં જ નહીં પણ હૃદયની સુરક્ષા માટે પણ જરૂરી છે.

આંકડાઓ તરફ નજર કરીએ તો સ્થિતિની ગંભીરતા સમજાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અહેવાલ મુજબ, વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં COPD હવે ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે આવી ગયું છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડેટા પ્રમાણે, આપણા દેશમાં મૃત્યુ માટે બીજું સૌથી મોટું કારણ ફેફસાં સંબંધિત બીમારીઓ છે. તેથી હવે સમય આવી ગયો છે કે આપણે ચેતી જઈએ અને આપણા ફેફસાંની કાળજી લેવાનું શરૂ કરીએ.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!