ગાંધીનગરના આયુષ ડો. નેહલ ગજેરાએ 7 લાખથી વધુ વોટ મેળવી ‘ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ 2025’ સહિત 2 રાષ્ટ્રીય પુરસ્કારો જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જાણો તેમની સિદ્ધિ અને 20 વર્ષની પ્રેરણાદાયક સેવાયાત્રા વિશે.

ગાંધીનગર, શનિવાર
ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય ક્ષેત્રે પોતાની ઉત્કૃષ્ટ કામગીરીનો ડંકો વગાડ્યો છે. તેમણે એક નહીં, પરંતુ 2 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો જીતીને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. ખાસ વાત એ છે કે તેઓ વર્ષ 2025 માટે આ સન્માન મેળવનારા એકમાત્ર ગુજરાતી ચિકિત્સક બન્યા છે.
ડૉ. નેહલ ગજેરાને કેન્દ્ર સરકારના નીતિ આયોગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અને પબ્લિક સર્વે ગ્રુપ ઓફ ઈન્ડિયાના સહયોગથી કાર્યરત ‘હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ’ સંસ્થા દ્વારા ‘ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ-2025’ અને ‘રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ-2025’થી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત, દર્દીઓ પ્રત્યેના તેમના સંવેદનશીલ અને માનવીય અભિગમ બદલ તેમને ‘એક્સેલેન્સ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો છે.
આ સન્માન પાછળની પસંદગી પ્રક્રિયા ખૂબ જ કઠિન અને પારદર્શક હતી. તેમાં ડોક્ટરના પ્રોફાઇલ સર્વે, તેમની કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ, ડેટા સ્ક્રુટિની, અને પ્રશ્નોત્તરી જેવા અનેક તબક્કાઓનો સમાવેશ થતો હતો. આ તમામ પડકારોને પાર કર્યા બાદ જ્યારે નોમિનેટેડ ડોક્ટરોની યાદી જાહેર જનતા સમક્ષ વોટિંગ માટે મૂકવામાં આવી, ત્યારે ડો. નેહલ ગજેરાને દેશભરમાંથી 7 લાખથી વધુ લોકોએ પોતાના મત આપીને વિજયી બનાવ્યા હતા.
છેલ્લા 20 વર્ષથી ગાંધીનગર ખાતે આયુષ મેડિકલ ઓફિસર અને સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર તરીકે ફરજ બજાવતા ડો. નેહલ ગજેરા માત્ર એક ચિકિત્સક નથી, પરંતુ એક સાચા સમાજસેવક પણ છે. તેઓ ‘બેટી બચાવો’, માતા મૃત્યુદર ઘટાડવા, કિશોરી સ્વાસ્થ્ય અને મહિલા જનજાગૃતિ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ ન્યૂટ્રિશન એક્સપર્ટ તરીકે ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને જીવનશૈલીમાં પરિવર્તન લાવીને સ્વસ્થ જીવન જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તેમની સેવાઓ માત્ર ક્લિનિક સુધી સીમિત નથી; તેઓ અનાથ દીકરીઓના અભ્યાસમાં પણ મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહે છે.
આ સિદ્ધિ બદલ પોતાની લાગણી વ્યક્ત કરતાં ડો. નેહલ ગજેરાએ જણાવ્યું હતું કે, “મારા માટે ડોક્ટરનો વ્યવસાય એ સેવાનું માધ્યમ છે. હું દર્દીઓને માત્ર દવાઓ જ નહીં, પરંતુ સાચા આહાર-વિહાર અને જીવનશૈલીમાં સુધારા દ્વારા રોગમુક્ત થવા માટે પ્રોત્સાહિત કરું છું. કેન્દ્ર સરકાર દ્વારા મારા આ કાર્યની નોંધ લેવાઈ તે મારા માટે અત્યંત હર્ષ અને ગૌરવની વાત છે.”
ડૉ. નેહલ ગજેરાની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે નિષ્ઠા, સેવા અને માનવતા સાથે કરેલું કાર્ય ક્યારેય અજાણ્યું રહેતું નથી અને તે લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે.











