વ્યાજખોરોનો રાક્ષસી પંજો: 1 લાખના દેવા સામે 74 લાખ ચૂકવ્યા, છતાં ખેડૂતને વેચવી પડી કિડની

મહારાષ્ટ્રમાંથી સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વ્યાજખોરોના અનંત ત્રાસથી કંટાળીને એક ખેડૂત પુત્રએ 1 લાખ રૂપિયાના દેવા સામે 74 લાખ ચૂકવ્યા છતાં પોતાની કિડની વેચી દીધી. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જાણો સમગ્ર હૃદયદ્રાવક ઘટના.

મહારાષ્ટ્ર, ગુરૂવાર
મહારાષ્ટ્રમાં બનેલી એક અત્યંત દર્દનાક ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા એક ખેડૂત પરિવારે દેવું ચૂકવવા માટે પોતાની જમીન, મકાન અને ઘરેણાં સુધ્ધાં વેચી દીધા, પરંતુ વ્યાજખોરોની ભૂખ શાંત ન થઈ. આખરે, પરિવારને બચાવવા માટે ખેડૂતના દીકરાએ પોતાની કિડની વેચવાનો આકરો નિર્ણય લેવો પડ્યો. 1 લાખ રૂપિયાની લોનના બદલામાં 74 લાખ રૂપિયા વસૂલ્યા પછી પણ ત્રાસ ચાલુ રાખનારા 5 વ્યાજ માફિયાઓની પોલીસે ધરપકડ કરી છે.

સુખી પરિવાર પર મુસીબતોનો પહાડ
પીડિત ખેડૂતના પિતાએ રડતી આંખે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, એક સમયે તેમનો પરિવાર ખુશહાલ જીવન જીવતો હતો. તેમનો દીકરો પશુપાલન અને દૂધના વ્યવસાય દ્વારા સારું ગુજરાન ચલાવતો હતો. પરંતુ કોરોના મહામારી અને લોકડાઉને તેમના ધંધાની કમર તોડી નાખી. વ્યવસાય ઠપ થતાં પરિવાર આર્થિક સંકટમાં ઘેરાઈ ગયો. જેમતેમ કરીને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો ત્યાં પશુઓમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો, જેના કારણે તેમનો વ્યવસાય સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો.

1 લાખનું દેવું કેવી રીતે 74 લાખ થયું?
ધંધાને ફરીથી ઉભો કરવા માટે, દીકરાએ કેટલાક સ્થાનિક વ્યાજખોરો પાસેથી આશરે 1 લાખ રૂપિયાની લોન લીધી. પરંતુ આ નાની રકમ પર વ્યાજખોરોએ ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવીને તેને 74 લાખ રૂપિયાની તોતિંગ રકમમાં ફેરવી દીધી. વ્યાજ માફિયાઓ વારંવાર 4-5 ગુંડાઓ મોકલીને દીકરા સાથે મારપીટ કરતા અને પૈસા માટે દબાણ કરતા હતા.

ઘર, જમીન બધું વેચ્યું છતાં ત્રાસ ઓછો ન થયો
પિતાએ જણાવ્યું કે, “અમે પઠાણી ઉઘરાણીથી બચવા માટે અમારી જમીન, ઘર અને પત્નીના ઘરેણાં પણ વેચી દીધા. અમે બેંક ટ્રાન્સફર અને ઓનલાઈન માધ્યમોથી તેમને અત્યાર સુધીમાં કુલ 74 લાખ રૂપિયા ચૂકવી દીધા છે, જેની અમારી પાસે રસીદો પણ છે.” પરંતુ આટલી મોટી રકમ ચૂકવ્યા પછી પણ વ્યાજખોરોનો ત્રાસ ઓછો ન થયો. તેઓ હજુ પણ વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા.

પરિવારને બચાવવા કિડનીનો સોદો કર્યો
રોજ-રોજની ધમકીઓ અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા દીકરાએ પરિવારને આ નર્કમાંથી બહાર કાઢવા માટે એક ભયાનક પગલું ભર્યું. તેણે પોતાની એક કિડની વેચી દીધી. પિતાએ કહ્યું, “મારા દીકરાએ અમારી જિંદગી બચાવવા પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી. વ્યાજખોરોએ અમારું બધું જ છીનવી લીધું છે.”

પોલીસની કાર્યવાહી અને મોટી તપાસના એંધાણ
આખરે, આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને તંત્ર તરત જ હરકતમાં આવ્યું. પોલીસે ફરિયાદના આધારે 5 વ્યાજ માફિયાઓની ધરપકડ કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે, પોલીસે માનવ અંગોની તસ્કરી કરતા મોટા રેકેટની આશંકા પર પણ તપાસ શરૂ કરી છે. આ રેકેટ અન્ય રાજ્યો અને મોટી હોસ્પિટલો સાથે જોડાયેલું છે કે કેમ, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!