ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર. હવે યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલના નવા સેન્ટર્સને પણ સરકારી હોસ્પિટલ ગણવામાં આવશે. જાણો સારવાર અને બિલ મંજૂરી અંગેના નવા નિયમો વિશે વિગતે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા લાખો અધિકારીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મોંઘીદાટ સારવારના સમયમાં સરકારે એક મહત્વનો નિર્ણય લઈને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 માં મોટો સુધારો કર્યો છે.
આ નવા નિર્ણય મુજબ, રાજ્યની ત્રણ મુખ્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા અથવા ભવિષ્યમાં શરૂ થનારા નવા સેન્ટર્સને હવે સીધા સરકારી હોસ્પિટલ સમકક્ષ દરજ્જો આપવામાં આવશે. જેના કારણે કર્મચારીઓને સારવાર અને બિલ મંજૂરીમાં મોટી સરળતા રહેશે.
કઈ હોસ્પિટલોના સેન્ટર્સને મળશે આ લાભ?
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ, નીચે મુજબની ત્રણ મુખ્ય સંસ્થાઓના હાલના તેમજ ભવિષ્યમાં ખૂલનારા તમામ કેન્દ્રોને સરકારી હોસ્પિટલ ગણવામાં આવશે.
હૃદયરોગ માટે: યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ)
કેન્સર માટે: ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)
કિડની માટે: ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર – IKDRC (અમદાવાદ)
કર્મચારીઓને શું થશે સીધો ફાયદો?
અત્યાર સુધીના નિયમો મુજબ, આ સંસ્થાઓની મુખ્ય હોસ્પિટલો તેને જ સરકારી સમકક્ષ ગણવામાં આવતી હતી. પરંતુ હવે આ હોસ્પિટલોએ રાજ્યના અન્ય શહેરો કે વિસ્તારોમાં જે નવા સેન્ટર શરૂ કર્યા છે, ત્યાં સારવાર લેવા પર પણ સરકારી હોસ્પિટલ જેટલો જ લાભ મળશે.
સરકારી કર્મચારી કે પેન્શનર જો આ સેન્ટર્સ પર સારવાર લેશે, તો તેમના તબીબી ખર્ચના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર કરવામાં આવશે. સૌથી મોટી રાહત એ છે કે બિલ મંજૂર કરાવવા માટે હવે ગાંધીનગર સુધી લાંબા થવું પડશે નહીં. બિલની ચુકવણી માટેની સત્તા સીધી ઉપાડ અને વહેંચણી અધિકારી અથવા જે-તે જિલ્લાના તિજોરી અધિકારીને આપી દેવામાં આવી છે.
ગંભીર બીમારીઓમાં આર્થિક રાહત
સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગની મંજૂરી બાદ આ અંગેનો ઓફિશિયલ ઠરાવ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે. હૃદયરોગ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. સરકારના આ નિર્ણયથી રાજ્યભરમાં ફેલાયેલા આ સંસ્થાઓના નેટવર્કનો લાભ કર્મચારીઓ ઘરઆંગણે લઈ શકશે અને તેમને આર્થિક રીતે મોટી સુરક્ષા મળશે.











