અમદાવાદમાં રખડતી ગાયોની સમસ્યાનો સ્માર્ટ ઉકેલ, હવે ગાયના નાકના આધારે પકડાશે માલિક, AMC કરશે AIનો ઉપયોગ

અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા AMC એ AI અને CCTV ની મદદ લીધી છે. હવે ગાયના નાક-ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને માલિકને શોધાશે. વાંચો આ સ્માર્ટ પાયલટ પ્રોજેક્ટ વિશે વિગતે.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદ શહેર હવે સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહ્યું છે. શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગયેલી રખડતી ગાયો અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકાર એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રખડતી ગાયોના માલિકોને શોધવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને CCTV કેમેરાનો હાઈટેક ઉપયોગ કરશે.

ગાયનું નાક બનશે તેની ઓળખ
તમને જાણીને નવાઈ લાગશે કે જેમ માણસોના હાથના ફિંગરપ્રિન્ટ અલગ-અલગ હોય છે, બિલકુલ તેવી જ રીતે દરેક ગાયના નાકની ડિઝાઈન પણ યુનિક હોય છે. આ કુદરતી રચનાનો ઉપયોગ હવે ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે. આ નવા પ્રોજેક્ટ હેઠળ AI મોડેલ ગાયના નાકની પ્રિન્ટને મુખ્ય ઓળખ તરીકે સ્કેન કરશે. આ ઉપરાંત ગાયની આંખો, ચહેરા પરના ડાઘ કે નિશાનનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે. આ તમામ માહિતીને અગાઉથી તૈયાર કરેલા ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવશે, જેથી ગાયના અસલી માલિકની વિગતો ગણતરીની મિનિટોમાં તંત્રને મળી જશે.

હાલની પદ્ધતિ અને નવી ટેક્નોલોજીમાં શું ફેર છે?
અત્યાર સુધી AMC ની ટીમ ગાયને પકડે ત્યારે તેના કાન પર લાગેલા RFID ટેગ કે શરીરમાં ફીટ કરેલી માઇક્રોચીપ સ્કેન કરતી હતી. આ કામ મેન્યુઅલી કરવું પડતું હતું, જેમાં માણસો અને સમય બંનેનો બગાડ થતો હતો. નવી AI પદ્ધતિમાં હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલા AI સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ડીપ લર્નિંગ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ CCTV કેમેરાના લાઈવ ફૂટેજ પરથી જ ગાયને ભીડમાં ઓળખી લેશે અને ઓટોમેટિક ડેટા આપી દેશે.

શહેરમાં 1.10 લાખ ગાયોનો ડેટા તૈયાર
અમદાવાદમાં રખડતા પશુઓને નિયંત્રણમાં લેવા માટે તંત્ર પાસે પહેલેથી જ મોટો ડેટાબેઝ તૈયાર છે. શહેરમાં અંદાજે 1.10 લાખ ગાયોને RFID ટેગ અને માઇક્રોચીપ લગાવી દેવામાં આવ્યા છે. અમદાવાદના 130 જેટલા મુખ્ય જંક્શનો પર હાઈ-ક્વોલિટી CCTV કેમેરા કાર્યરત છે. આ પાયલટ પ્રોજેક્ટમાં કેમેરાથી મળતા ફોટા અને વીડિયોને સીધા AI સોફ્ટવેર સાથે જોડી દેવામાં આવશે. જેના કારણે જેવી કોઈ ગાય રસ્તા પર દેખાશે, તરત જ સિસ્ટમ એલર્ટ થઈ જશે.

સરકારનો ઉદ્દેશ: સ્માર્ટ ગવર્નન્સ અને સલામતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટેક્નોલોજીના માધ્યમથી વહીવટને સરળ બનાવવા માંગે છે. જો આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો રસ્તા પર રખડતા ઢોરને કારણે થતા અકસ્માતોમાં ઘટાડો થશે. ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ગાયોને રસ્તા પર રખડતી છોડી દેનાર માલિકો સામે ત્વરિત કાર્યવાહી થઈ શકશે. આમ, ટૂંક સમયમાં અમદાવાદના રસ્તાઓ પર ત્રીજી આંખ એટલે કે AI ની નજર રહેશે, જે નાગરિકોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!