T20 World Cup 2026માં ભારત સામેની મેચના બહિષ્કાર બાદ પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. ICC કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. જાણો PCBને શું નુકસાન થશે.

નવી દિલ્હી, મંગળવાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICC વચ્ચે અત્યારે જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાન સરકારે T20 વર્લ્ડ કપ 2026માં પોતાની ટીમ મોકલવાની હા તો પાડી છે, પરંતુ એક શરત મૂકી છે. પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે કે તેઓ 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરશે. હવે આ નિર્ણય પાકિસ્તાનને જ ભારે પડી શકે છે કારણ કે ICC આ મામલે કડક એક્શન લેવાની તૈયારી કરી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન સરકારે 2 ફેબ્રુઆરીની રાત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમની ટીમ વર્લ્ડ કપ રમશે પણ ભારત સામે મેદાનમાં નહીં ઉતરે. જોકે, નવાઈની વાત એ છે કે PCBએ હજુ સુધી આ અંગે ICCને કોઈ સત્તાવાર લેખિત જાણકારી આપી નથી. આ મામલે ચર્ચા કરવા માટે ICC મંગળવાર કે બુધવારે તાત્કાલિક બેઠક બોલાવી શકે છે.
બાંગ્લાદેશ જેવો ઘાટ થશે?
તમને યાદ હશે કે થોડા સમય પહેલા બાંગ્લાદેશે પણ સુરક્ષા કારણો આગળ ધરીને ભારતમાં વર્લ્ડ કપ રમવાની ના પાડી હતી. ત્યારે ICCએ કોઈ પણ દલીલ સાંભળ્યા વગર બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડને એન્ટ્રી આપી હતી. હવે પાકિસ્તાન પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને આફતને નોતરી રહ્યું છે.
બીજી બાજુ, PCB ચીફ અને ગૃહમંત્રી મોહસિન નકવી ભારત સામેની મેચના બહિષ્કાર પર ચૂપ છે, જ્યારે પહેલા તેમણે આખી ટુર્નામેન્ટના બહિષ્કારની વાત કરી હતી. પાકિસ્તાનને શું નુકસાન થઈ શકે છે? જો પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમવા નહીં આવે, તો ICC તેની સામે આકરા પગલાં લઈ શકે છે:
પોઈન્ટ્સનું નુકસાન: પાકિસ્તાન ટીમને ટુર્નામેન્ટમાં 2 મહત્વના પોઈન્ટ્સ ગુમાવવા પડશે અને નેટ રન રેટમાં પણ મોટો ફટકો પડશે.
આર્થિક ફટકો: ICCની કમાણીનો મોટો હિસ્સો PCBને મળે છે. જો તેઓ મેચ નહીં રમે તો ICC આ ફંડ અટકાવી શકે છે, જેનાથી બોર્ડ કંગાળ થઈ શકે છે.
PSL પર ખતરો: પાકિસ્તાન સુપર લીગ (PSL)માં વિદેશી ખેલાડીઓના રમવા પર પણ પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે.
દંડ ભરવો પડશે: ભારત-પાકિસ્તાન મેચથી બ્રોડકાસ્ટર્સને મોટી કમાણી થતી હોય છે. મેચ રદ થવાથી જે નુકસાન થાય તે ભરપાઈ કરવાનો આદેશ ICC પાકિસ્તાનને આપી શકે છે.
અન્ય સીરિઝ પર પ્રતિબંધ: માત્ર વર્લ્ડ કપ જ નહીં, પરંતુ ભવિષ્યમાં એશિયા કપ અને અન્ય દ્વિપક્ષીય સીરિઝમાંથી પણ પાકિસ્તાનને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
હવે જોવાનું એ રહે છે કે ICCની સંભવિત કાર્યવાહીના ડરથી પાકિસ્તાન પોતાનો નિર્ણય બદલે છે કે પછી ક્રિકેટના મેદાનમાં રાજનીતિ રમીને મોટું નુકસાન વહોરી લે છે.











