જૂનાગઢ ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો પૂરબહારમાં ખીલ્યો છે. ભવનાથમાં દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને હઠ યોગીઓના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જાણો આ મેળાની વિશેષતાઓ.

જૂનાગઢ, શુક્રવાર
ગરવા ગિરનારની ગોદમાં અત્યારે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની પાવન ધરતી પર યોજાતો પરંપરાગત ‘મહા શિવરાત્રિનો મેળો’ હાલમાં પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. ભવનાથ તળેટીમાં શિવ અને શક્તિના મિલન સમાન આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશના ખૂણેખૂણેથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. આખા ભારતભરમાં માત્ર જૂનાગઢમાં જ જોવા મળતો આ અનોખો મેળો ભક્તો માટે માત્ર દર્શન નહીં, પણ એક લહાવો બની ગયો છે.
સાધુઓનો મેળો અને અનોખા હઠયોગ
આ મેળાની સૌથી મોટી વિશેષતા અહીં આવતા હજારો સાધુ-સંતો છે. મેળાના મેદાનમાં તમે જ્યાં નજર કરો ત્યાં આધ્યાત્મિકતાના દ્રશ્યો જોવા મળે છે. ભવનાથની તળેટીમાં હાલ હજારો સાધુઓએ ધામા નાખ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે સાધુઓના વિવિધ સ્વરૂપો આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યા છે.
અહીં તમને એવા ‘હઠ યોગીઓ’ જોવા મળશે જે જોઈને તમે દંગ રહી જશો:
કોઈ સાધુ કડકડતી ઠંડીમાં પણ કાંટાની પથારી પર આસન જમાવીને બેઠા છે.કોઈ સાધુ કલાકો સુધી એક જ પગે કે એક જ મુદ્રામાં ઊભા રહીને કઠિન તપસ્યા કરી રહ્યા છે. શરીર પર માત્ર ભસ્મ (રાખ) લગાવેલા અને વર્ષો જૂની લાંબી જટાઓ ધરાવતા સાધુઓ સાક્ષાત શિવજીનું સ્વરૂપ લાગી રહ્યા છે. તળેટીમાં ઠેર-ઠેર ધૂણા ધખાવવામાં આવ્યા છે, જેની આસપાસ બેસીને સંતો લોકકલ્યાણ માટે સતત મંત્રજાપ અને આરાધના કરી રહ્યા છે.
‘ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા’
શિવભક્તો માટે સાધુઓના શરીર પર લાગેલી આ ભસ્મ માત્ર રાખ નથી, પણ સાક્ષાત આશીર્વાદ છે. ભસ્મધારી સાધુઓને જોઈને પેલી પ્રખ્યાત પંક્તિઓ યાદ આવી જાય છે કે, “બખાન ક્યા કરૂ મૈ રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા.” સાધુઓ માટે આ ભસ્મ એ સંસારની મોહ-માયા અને ભૌતિક સુખ-સુવિધાઓના ત્યાગનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓ આ સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
શાહી સ્નાન અને રવેડીનો ઈન્તજાર
જૂનાગઢના આ મેળાને લોકો ‘મિની કુંભ’ તરીકે પણ ઓળખે છે. દેશમાં શિવરાત્રિ તો અનેક જગ્યાએ ઉજવાય છે, પરંતુ સાધુઓનો આવો વિશાળ જમાવડો માત્ર ભવનાથમાં જ જોવા મળે છે. હવે સૌની નજર મહા શિવરાત્રિના મુખ્ય દિવસ પર છે. મેળાના અંતિમ દિવસે સાધુ-સંતોની ભવ્ય ‘રવેડી’ નીકળશે અને ત્યારબાદ મૃગી કુંડમાં ‘શાહી સ્નાન’ થશે. આ શાહી સ્નાન મેળાનું સૌથી મોટું આકર્ષણ હોય છે, જે જોવા માટે લાખો લોકો ઉમટી પડે છે. હાલ તો આખું જૂનાગઢ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી રહ્યું છે.











