સુપ્રીમ કોર્ટમાં AI નો દુરુપયોગ વકીલોને ભારે પડ્યો છે. અરજીઓમાં અસ્તિત્વમાં જ ન હોય તેવા કેસના રેફરન્સ આપતા જજો લાલઘૂમ થયા છે. વાંચો સુપ્રીમ કોર્ટે વકીલોને કેવી ફટકાર લગાવી અને કયા ચોંકાવનારા ઉદાહરણો સામે આવ્યા.

નવી દિલ્હી, ગુરૂવાર
આજના સમયમાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મદદરૂપ બની રહી છે, પરંતુ જ્યારે તેનો ઉપયોગ વગર વિચાર્યે કરવામાં આવે ત્યારે પરિણામ ગંભીર આવી શકે છે. આવું જ કંઈક સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યું છે. કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા દુરુપયોગને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે અને વકીલોને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચ સમક્ષ કેટલીક એવી અરજીઓ આવી હતી, જે AI ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આ અરજીઓમાં એવા કેસના સંદર્ભ (Citations) ટાંકવામાં આવ્યા હતા, જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ નથી. એટલે કે, વકીલોએ AI પર આંખ બંધ કરીને ભરોસો કર્યો અને કોર્ટમાં નકલી કેસ રજૂ કરી દીધા.
આ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ ગઈ હતી. કોર્ટે કહ્યું કે આ પ્રકારનું વલણ અત્યંત ગંભીર અને અયોગ્ય છે. વકીલોની આવી બેદરકારીને કારણે કોર્ટ અને જજો પર કામનું ભારણ વધી રહ્યું છે, કારણ કે હવે તેમણે દરેક સંદર્ભ સાચો છે કે ખોટો તે પણ તપાસવું પડે છે.
મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ, એક વિચિત્ર કિસ્સો
આ ગંભીર મુદ્દા પર વાત કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો. તેમણે કહ્યું કે તાજેતરમાં તેમની સામે એક કેસમાં મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ (Mercy vs Mankind) નામના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે તપાસ કરી તો ખબર પડી કે આવો કોઈ કેસ કે ચુકાદો ક્યારેય આવ્યો જ નથી! આ માત્ર AI ની કલ્પના હતી. આવી જ રીતે જસ્ટિસ દીપાંકર દત્તાની કોર્ટમાં પણ અનેક નકલી ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી કોર્ટનો કિંમતી સમય બગડ્યો હતો.
જૂના વકીલોની સ્કિલ ક્યાં ખોવાઈ ગઈ?
વકીલો દ્વારા શોર્ટકટ અપનાવવાની આ પદ્ધતિ જોઈને જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આજના વકીલોમાં લીગલ ડ્રાફ્ટિંગ (અરજી લખવાની કળા) ની સ્કિલ સતત ઘટી રહી છે. તેમણે જૂના જમાનાના દિગ્ગજ વકીલોને યાદ કરતા કહ્યું કે, તેમનું ડ્રાફ્ટિંગ કેટલું સચોટ, મૌલિક અને અભ્યાસપૂર્ણ રહેતું હતું. આજે AI ના ભરોસે બેસી રહેવું ન્યાયતંત્ર માટે જોખમી છે.
બોમ્બે હાઈકોર્ટ પણ કરી ચૂકી છે દંડ
આ પહેલીવાર નથી જ્યારે કોર્ટમાં AI ના કારણે બબાલ થઈ હોય. આ પહેલાં બોમ્બે હાઈકોર્ટમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો, જેમાં AI દ્વારા તૈયાર કરાયેલી ખોટી અરજી બદલ કોર્ટે જે-તે પક્ષકારને દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટની આ લાલ આંખ બાદ હવે વકીલોએ સમજવું પડશે કે AI એ મદદ માટે છે, બુદ્ધિ અને મહેનતનો વિકલ્પ નથી. કોર્ટમાં રજૂ થતા દરેક દસ્તાવેજની સત્યતા તપાસવી એ વકીલની પ્રાથમિક જવાબદારી છે.











