સુપ્રીમ કોર્ટે બાળક દત્તક લેનારી માતાઓ માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવે 3 મહિનાથી મોટા બાળકને દત્તક લેવા પર પણ કામકાજી મહિલાઓને મેટરનિટી લીવનો પૂરો હક મળશે.

નવી દિલ્હી, બુધવાર
કામકાજી મહિલાઓ માટે સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય સંભળાવ્યો છે. જો તમે નોકરી કરો છો અને બાળક દત્તક લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે બાળક દત્તક લેનારી માતાઓને પણ જન્મ આપનારી માતાની જેમ જ ‘મેટરનિટી લીવ’ (માતૃત્વ રજા) મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે.
3 મહિનાની ઉંમરનો નિયમ રદ્દ
અત્યાર સુધી નિયમ એવો હતો કે જો દત્તક લીધેલા બાળકની ઉંમર 3 મહિનાથી ઓછી હોય, તો જ મહિલા કર્મચારીને મેટરનિટી લીવ મળતી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિયમ બદલી નાખ્યો છે. હવે બાળકની ઉંમર 3 મહિનાથી વધુ હોય તો પણ કોઈપણ કંપની કે એમ્પ્લોયર મહિલાને રજા આપવાની ના પાડી શકશે નહીં. કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે માતૃત્વની સુરક્ષા એ દરેક મહિલાનો પાયાનો માનવાધિકાર છે અને પરિવાર બનાવવા માટે દત્તક લેવાની પદ્ધતિ પણ એટલી જ સન્માનજનક છે.
જસ્ટિસ પારડીવાલાની બેન્ચનો મહત્વનો નિર્ણય
આ ઐતિહાસિક ચુકાદો જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સોશિયલ સિક્યુરિટી કોડ, 2020 ની કલમ 60(4) ને ગેરબંધારણીય જાહેર કરી છે. કોર્ટના મતે, આ જોગવાઈ બંધારણમાં આપેલા સમાનતાના અધિકાર (અનુચ્છેદ 14) અને જીવવાના અધિકાર (અનુચ્છેદ 21) નું સીધું ઉલ્લંઘન કરે છે. અદાલતે નોંધ્યું કે દત્તક લીધેલું બાળક અને બાયોલોજીકલ બાળક વચ્ચે કોઈ ભેદભાવ ન હોઈ શકે. નવી માતા અને બાળક વચ્ચે પ્રેમ અને લાગણીનો સંબંધ કેળવવા માટે રજા મળવી અત્યંત જરૂરી છે.
કેવી રીતે શરૂ થયો આ કેસ?
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કર્ણાટકના એક મહિલા વકીલ હમસાનંદિની નંદુરીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. તેમણે એક 4.5 વર્ષની બાળકી અને એક 2 વર્ષના બાળકને દત્તક લીધા હતા. જ્યારે તેમણે પોતાની ઓફિસમાં રજા માંગી, ત્યારે બાળકોની ઉંમર 3 મહિનાથી વધુ હોવાનું કારણ આપીને તેમને મેટરનિટી લીવ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. આ ભેદભાવ સામેની તેમની કાનૂની લડતને કારણે આજે દેશભરની લાખો કામકાજી મહિલાઓ માટે ન્યાયના દ્વાર ખૂલી ગયા છે. દત્તક લેનાર માતાને બાયોલોજીકલ માતા જેટલા જ અધિકારો મળશે. 3 મહિનાથી મોટા બાળકને દત્તક લેવા પર પણ મેટરનિટી લીવ મળશે. કંપનીઓ કે એમ્પ્લોયર હવે કાયદાકીય રીતે રજા આપવા બંધાયેલા રહેશે.
સરકારને ‘પેટર્નિટી લીવ’ અંગે વિચારવા સૂચન
આ ચુકાદાની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક બીજું મહત્વનું સૂચન પણ કર્યું છે. કોર્ટે કહ્યું છે કે સરકારે ‘પેટર્નિટી લીવ’ (પિતૃત્વ રજા) અંગે પણ યોગ્ય નીતિ ઘડવી જોઈએ. આનાથી પિતાને પણ રજા મળશે અને તેઓ પણ બાળકના ઉછેર અને સંભાળમાં પોતાનું યોગ્ય યોગદાન આપી શકશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખરા અર્થમાં સમાજને નવી દિશા બતાવનારો અને કામકાજી મહિલાઓના હિતોનું રક્ષણ કરનારો છે.











