ગુજરાત વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર! રાજ્ય સરકારે એકસાથે 365થી વધુ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સામૂહિક બદલી કરી. જાણો આ મોટા નિર્ણય પાછળનું કારણ અને કયા અધિકારીની ક્યાં બદલી થઈ.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગમાં એકાએક મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યભરના વન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના 365થી વધુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ની સામૂહિક બદલીના આદેશો જારી કર્યા છે. આટલી મોટી સંખ્યામાં અધિકારીઓની બદલી થતા વન વિભાગના વહીવટમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે.
365થી વધુ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો
વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ (સેવા) શ્રી આસવ ગઢવીની સહી સાથે જારી કરાયેલા એક સત્તાવાર આદેશમાં 365 જેટલા અધિકારીઓના નામ અને તેમની નવી નિમણૂકના સ્થળની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થશે. સામાન્ય રીતે, વહીવટીતંત્રને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે, તેમજ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને નવો અનુભવ આપવા માટે આવી બદલીઓ કરવામાં આવતી હોય છે.
જાણો, કોની ક્યાં થઇ બદલી?
આ વિશાળ યાદીમાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોના અધિકારીઓનો સમાવેશ થાય છે. કેટલાક મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:
સાબરકાંઠા: વિજયનગર રેંજના શ્રી દશરથજી મકવાણાની બદલી હિંમતનગર વિસ્તરણ રેંજમાં કરવામાં આવી છે. જ્યારે પોશીના રેંજના શ્રી દીપકકુમાર નિનામાને હવે મહેસાણા ખાતે વનીકરણ વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે.
સુરેન્દ્રનગર: વઢવાણ રેંજમાંથી શ્રી મનુભાઈ મેરને મૂળી વિસ્તરણ રેંજમાં ટ્રાન્સફર મળ્યું છે.
સૌરાષ્ટ્ર: મોરબી રેંજના શ્રી જયદીપસિંહ જાડેજાને રાજકોટ ખાતે સામાજિક વનીકરણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં પણ મોટાપાયે ફેરફાર થયા છે. આહવા (પશ્ચિમ) રેંજના શ્રી વિનયકુમાર પવારની બદલી ચીખલી વિસ્તરણ રેંજમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક અધિકારીઓની પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ પગલાંથી વન વિભાગના કામકાજમાં નવી ઉર્જાનો સંચાર થવાની અને વહીવટી પ્રક્રિયા વધુ ગતિશીલ બનવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં આ અધિકારીઓ પોતાના નવા કાર્યસ્થળ પર ચાર્જ સંભાળશે, જેનાથી સ્થાનિક સ્તરે વન સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીની કામગીરી પર તેની સીધી અસર જોવા મળશે.











