ગાંધીનગરમાં મોટું કૌભાંડ: નકલી ચલણ અને ખોટી સહીથી ભૂ માફિયાઓએ ખનિજ વિભાગને લગાવ્યો 23.46 લાખનો ચૂનો

ગાંધીનગર ખનિજ વિભાગમાં મોટું કૌભાંડ! ભૂ માફિયાઓએ નકલી ચલણ અને અધિકારીની ખોટી સહી વડે સરકારને 23.46 લાખનો ચૂનો લગાવ્યો. સેક્ટર 7 પોલીસમાં ફરિયાદ દાખલ.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરીમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભૂ માફિયાઓએ સરકારી તિજોરીમાં લાખો રૂપિયાનો દંડ ભરવાના બદલે, બેંકના નકલી ચલણો અને અધિકારીની બોગસ સહીનો ઉપયોગ કરીને સરકારને 23.46 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ત્રણ મહિના પછી જ્યારે બેંકમાંથી ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ મોટા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

ક્યાંથી શરૂ થયો આ ખેલ?
આ કૌભાંડના મૂળ મે 2025 સાથે જોડાયેલા છે. ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે ડભોઈ વિસ્તારમાં ગેરકાયદે ખનન અને વહન કરતા વાહનોને ઝડપી પાડ્યા હતા. આ તપાસ દરમિયાન પકડાયેલા વાહનો અને તેના માલિકોને દંડ ભરવા માટે જૂન અને જુલાઈ મહિનામાં ચલણ આપવામાં આવ્યા હતા.

નકલી દસ્તાવેજો બનાવી વાહનો છોડાવી લીધા
દંડની મોટી રકમ બચાવવા માટે આરોપીઓએ એક મોટો ખેલ કર્યો. તેઓએ વિભાગ પાસેથી અસલી ચલણ મેળવ્યા, પરંતુ બેંકમાં પૂરી રકમ ભરી જ નહીં. દંડની રકમ ભરી દીધી છે તેવું બતાવવા માટે નકલી પાવતીઓ કચેરીમાં રજૂ કરી દીધી. એટલું જ નહીં, આ નકલી ચલણો પર મદદનીશ નિયામક આર્જવ શુક્લાની ખોટી સહીઓ પણ કરી દીધી. આ ખોટા દસ્તાવેજો સાચા માનીને વિભાગે જૂન 2025 માં તેમના જપ્ત કરાયેલા વાહનો મુક્ત કરી દીધા હતા.

કોણે કેવી રીતે કરી છેતરપિંડી?
આરોપીઓએ લાખોના દંડ સામે માત્ર સામાન્ય રકમ ભરીને નકલી પાવતીઓ બનાવી હતી:

ચિરાગ રબારી (રહે. ડભોઈ): 2.05 લાખ રૂપિયાના દંડ સામે બેંકમાં માત્ર 1387 રૂપિયા જ જમા કરાવ્યા.
સોહમ ગજેરા (રહે. વડોદરા): 11.83 લાખ રૂપિયાના ચલણ સામે માત્ર 2087 રૂપિયા ભરીને નકલી પાવતી રજૂ કરી.
હસમુખ કાંસકીવાલા (રહે. ડભોઈ): 4.73 લાખ રૂપિયાનો દંડ ભરવાનો હતો, પરંતુ એક પણ રૂપિયો જમા કરાવ્યા વગર સીધા જ બનાવટી દસ્તાવેજો કચેરીમાં રજૂ કરી દીધા.

ત્રણ મહિના પછી ફૂટ્યો ભાંડો
ખાણ ખનીજ વિભાગે વાહનો તો છોડી દીધા, પરંતુ ઓગસ્ટ મહિનામાં જ્યારે કચેરી દ્વારા આ ચલણોની બેંકમાં ખરાઈ (વેરિફિકેશન) કરાવવામાં આવી, ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો. 1 સપ્ટેમ્બર 2025 ના રોજ આવેલા બેંકના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે વિભાગ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ ખાણ ખનીજ વિભાગની થઈ હતી.

પોલીસમાં નોંધાઈ ફરિયાદ
આખરે, ગાંધીનગરમાં સેકટર 10 ખાતે આવેલા જૂના સચિવાલયના બ્લોક નંબર 15 માં કાર્યરત કચેરીના રોયલ્ટી ઈન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓએ આરોપીઓ વિરુદ્ધ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ મામલે આગળની સઘન તપાસ ચલાવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!