ગુજરાતની આશ્રમ શાળાઓની દયનીય હાલત પર હાઇકોર્ટે સરકારની આકરી ટીકા કરી છે. જાણો કોર્ટે શા માટે કહ્યું કે, જ્યારે કોઈ વિદ્યાર્થી IAS/IPS બનશે ત્યારે જ સાચી સફળતા મળશે અને સરકારને શું કડક આદેશ આપ્યો.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની આશ્રમ શાળાઓની કથળી રહેલી સ્થિતિ અને અવ્યવસ્થા મુદ્દે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા ગુજરાત સરકારની કામગીરી સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. તારીખ 8 એપ્રિલ, 2026 ના રોજ થયેલી આ સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને આડેહાથ લેતા એક પછી એક તીખા સવાલો કર્યા હતા.
સરકાર નિયમો કેમ નથી બનાવતી?
હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને સ્પષ્ટપણે પૂછ્યું કે, “આશ્રમ શાળાઓના સંચાલન માટે કોઈ ચોક્કસ અને કડક નિયમો કેમ બનાવવામાં નથી આવતા?” કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે જો સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવશે, તો જ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેનું પાલન કરવા માટે બંધાયેલી રહેશે. નિયમોના અભાવે જ આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
રેસિડન્શિયલ સ્કૂલ માત્ર નામની નહીં, કામની બનાવો
કોર્ટે સરકારને અરીસો બતાવતા ટકોર કરી કે આશ્રમ શાળાઓને માત્ર નામ પૂરતી રહેણાંક શાળાઓ નહીં, પરંતુ તમામ સુવિધાઓથી સજ્જ સાચા અર્થમાં રેસિડન્શિયલ સ્કૂલ બનાવવી જોઈએ. કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, “તમારી કામગીરી ત્યારે જ સફળ ગણાશે, જ્યારે કોઈ પછાત વિસ્તારનો વિદ્યાર્થી અહીં ભણી-ગણીને IAS/IPS જેવો ઉચ્ચ અધિકારી બને.”
કોર્ટે વધુમાં ઉમેર્યું કે, જો સરકાર આ શાળાઓ પર પોતાનું નિયંત્રણ રાખવા માંગે છે, તો તે સારી વાત છે, પરંતુ તેની સામે ત્યાં ભણતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક માહોલ અને અન્ય તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી પણ સરકારની જ બને છે.
અરજદારે રજૂ કરી ગંભીર સમસ્યાઓ
સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટે આશ્રમ શાળાઓની પાયાની અને ગંભીર સમસ્યાઓ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા:
સ્ટાફની ભારે અછત: શાળાઓમાં માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ પટાવાળા, રસોયા અને સફાઈ કામદારો જેવા બિન-શૈક્ષણિક સ્ટાફની પણ વર્ષોથી ઘટ છે.
નિરીક્ષણનો અભાવ: લાંબા સમયથી આ શાળાઓમાં કોઈ અધિકારી દ્વારા યોગ્ય નિરીક્ષણ કે તપાસ કરવામાં આવી નથી.
અપૂરતું ભોજન: સૌથી ચિંતાજનક બાબત એ છે કે વિદ્યાર્થીઓને પૂરતું અને પૌષ્ટિક મધ્યાહન ભોજન પણ મળતું નથી.
વકીલે દલીલ કરી હતી કે જો છેવાડાના અને ગરીબ સમાજના બાળકોને સારું ભોજન અને રહેવાની સુવિધા મળશે, તો જ તેમના માતા-પિતા તેમને ભણવા મોકલવા માટે પ્રોત્સાહિત થશે.
કોર્ટનો આદેશ: 3 સપ્તાહમાં જવાબ આપો
બંને પક્ષોની રજૂઆતો ધ્યાનથી સાંભળ્યા બાદ, ગુજરાત હાઇકોર્ટે સરકાર અને અરજદાર બંનેને આ મામલે વિસ્તૃત જવાબ રજૂ કરવા માટે 3 સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે આ જવાબમાં આશ્રમ શાળાઓનું આદર્શ માળખું કેવું હોવું જોઈએ અને તેમાં કઈ-કઈ પાયાની સુવિધાઓ ફરજિયાતપણે ઉમેરવી જોઈએ, તેની સંપૂર્ણ વિગતો રજૂ કરવાની રહેશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું પગલાં લે છે.











