PM મોદીના ‘રાષ્ટ્રજોગ સંબોધન’ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી: કોંગ્રેસ નેતાનો મોટો આક્ષેપ- ‘ચૂંટણી ટાણે સરકારી પ્લેટફોર્મનો કર્યો દુરુપયોગ’

મહિલા અનામત બિલ નાપાસ થયા બાદ PM મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધન મામલે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. કોંગ્રેસ નેતાએ તેને આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.

નવી દિલ્હી, ગુરૂવાર
લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ પસાર ન થવાને કારણે દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન કાયદાકીય ગૂંચવણમાં ફસાયું છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન. પ્રતાપને વડાપ્રધાનના આ સંબોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાને ચૂંટણીના સમયે સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને આદર્શ આચાર સંહિતા (MCC) ના લીરેલીરા ઉડાડ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?
ઘટનાની શરૂઆત 17 એપ્રિલે થઈ હતી, જ્યારે લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ જરૂરી બહુમતી ન મળવાને કારણે ‘નાપાસ’ થયું હતું. તેના બીજા જ દિવસે એટલે કે 18 એપ્રિલની રાત્રે 8.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૂરદર્શન અને સંસદ ટીવીના માધ્યમથી દેશને સંબોધિત કર્યો હતો. આ સંબોધનમાં તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

અરજીમાં કરવામાં આવેલા મુખ્ય આક્ષેપો:
અરજદાર ટી.એન. પ્રતાપને પોતાની પિટિશનમાં કેટલીક ગંભીર બાબતો ટાંકી છે:

સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ: વડાપ્રધાને રાજકીય ફાયદા માટે સરકારી નિયંત્રણ હેઠળના દૂરદર્શન અને સંસદ ટીવીનો ઉપયોગ કર્યો છે. ચૂંટણીના સમયગાળા દરમિયાન પક્ષપાતી રાજકીય સંદેશ આપવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો તે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

ભ્રષ્ટ આચરણ: અરજીમાં જણાવાયું છે કે, આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 123(7) હેઠળ ભ્રષ્ટ આચરણ સમાન છે.

ચૂંટણી પંચની નિષ્ક્રિયતા: અરજદારે દાવો કર્યો છે કે આ મામલે ભારતીય ચૂંટણી પંચ (ECI) ને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ પંચની બંધારણીય જવાબદારી (અનુચ્છેદ 324) નો ત્યાગ છે.

વિપક્ષની ટીકા: PM એ પોતાના 30 મિનિટના ભાષણમાં કોંગ્રેસ, TMC, DMK અને સમાજવાદી પાર્ટી જેવા વિપક્ષોની આકરી ટીકા કરી હતી અને તેમને ‘મહિલા વિરોધી’ ગણાવ્યા હતા.

‘ભ્રૂણહત્યા’ શબ્દના પ્રયોગથી વિવાદ વકર્યો
વડાપ્રધાને પોતાના સંબોધનમાં આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી દળોએ મહિલા અનામત બિલનો વિરોધ કરીને એક સારા પ્રયાસની ‘ભ્રૂણહત્યા’ કરી છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણીમાં વિપક્ષને આનો જવાબ આપે. અરજદારના મતે, આ નિવેદનથી સત્તાધારી પક્ષને અયોગ્ય લાભ મળ્યો છે, જ્યારે અન્ય ઉમેદવારો આચાર સંહિતાના કડક નિયમોનું પાલન કરી રહ્યા છે.

શા માટે લોકસભામાં બિલ પસાર ન થયું?
18 એપ્રિલે લોકસભામાં રજૂ કરાયેલા 131 માં બંધારણીય સુધારા બિલમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની અને બેઠકો 543 થી વધારીને 850 કરવાની જોગવાઈ હતી. જોકે, વિપક્ષની માંગ હતી કે હાલના મતક્ષેત્રોમાં ફેરફાર કર્યા વગર જ અનામત લાગુ કરવામાં આવે.

મતદાનના આંકડા:
બિલના સમર્થનમાં: 298 મત
બિલના વિરોધમાં: 230 મત
જરૂરી મતોની સંખ્યા: 352

બિલને પસાર કરવા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતા તે અટકી પડ્યું હતું, જેના પરિણામે અત્યારે દેશમાં ભારે રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર શું વલણ અપનાવે છે.

ચૂંટણીના માહોલમાં વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન અને ત્યારબાદ થયેલી સુપ્રીમ કોર્ટની અરજીએ દેશના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે. આ કેસમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતો અને સરકારી સંસાધનોના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!