‘મને તો પૂછ્યું જ નથી..: ખાડિયામાં ભાજપની હાર પર ભૂષણ ભટ્ટનો મોટો ધડાકો, પ્રદેશ નેતાગીરી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

અમદાવાદમાં ભાજપની ભવ્ય જીત વચ્ચે ખાડિયા બેઠક પર મળેલી હારથી રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આ હાર માટે પ્રદેશ નેતાગીરી અને ઉમેદવાર પસંદગીને જવાબદાર ગણાવ્યા છે.

અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભલે બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો હોય, પરંતુ વર્ષો જૂના ભાજપના ગઢ ગણાતા ખાડિયામાં મળેલી હાર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. 54 વર્ષના લાંબા ઇતિહાસમાં પહેલીવાર ભાજપે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. આ હાર બાદ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મૌન તોડ્યું છે અને હાર માટે પક્ષની નેતાગીરી પર આકરા પ્રહાર કર્યા છે.

ઉમેદવાર પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખાડિયામાં હારનું મુખ્ય કારણ ઉમેદવારોની ખોટી પસંદગી છે. તેમણે આક્ષેપ કર્યો કે, “પાર્ટીએ ઉમેદવારો નક્કી કરતી વખતે મારો કોઈ અભિપ્રાય લીધો ન હતો. જો મને પૂછવામાં આવ્યું હોત તો પરિણામ કદાચ અલગ હોત.” ભૂષણ ભટ્ટના આ નિવેદનથી ભાજપના આંતરિક જૂથવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાડિયા જેવી સુરક્ષિત બેઠક પર મળેલી હારની નોંધ હવે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા પણ લેવામાં આવી છે.

શા માટે ઘટ્યા 25 હજાર મતદારો?
ખાડિયા બેઠકની હાર પાછળ માત્ર જૂથવાદ જ નહીં, પરંતુ ટેકનિકલ કારણો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને કારણે ખાડિયા વિસ્તારના મતદાર યાદીમાંથી અંદાજે 25,000 જેટલા મતદારોના નામ ઓછા થયા છે.

ચૂંટણી પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના જણાવ્યા મુજબ, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું હતું કે અંદાજે 24,000 જેટલા નામો કાં તો મૃતક વ્યક્તિઓના હતા અથવા તો એક જ વ્યક્તિના નામ બે અલગ-અલગ જગ્યાએ હતા. કોંગ્રેસની આ રણનીતિને કારણે બોગસ વોટિંગ અટક્યું અને ભાજપને મોટું નુકસાન વેઠવું પડ્યું.

સ્થાનિક સ્તરે નારાજગી અને જૂથવાદ
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ખાડિયામાં ભાજપની હાર પાછળ માત્ર મતદાર યાદી જ નહીં, પણ સ્થાનિક લોકોની નારાજગી પણ એક મોટું કારણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂષણ ભટ્ટની કામ કરવાની પદ્ધતિ અને સ્થાનિક સ્તરે વધી રહેલા આંતરિક અસંતોષને કારણે ભાજપના કાર્યકરોમાં પણ નિરુત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદના હૃદય સમાન ખાડિયામાં ભાજપની હાર એ પક્ષ માટે લાલબત્તી સમાન છે. એક તરફ ભૂષણ ભટ્ટ નેતાગીરી પર માછલાં ધોઈ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાની રણનીતિની સફળતાના ગુણગાન ગાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ભાજપ આ હારમાંથી શું બોધપાઠ લે છે અને ખાડિયાના ગઢને ફરીથી મેળવવા શું આયોજન કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!