ડેરીમાં કેન ધોવાથી ધારાસભ્ય સુધીની સફર: દહેગામના લોકલાડીલા નેતા સ્વ. ખુમાનસિંહ રાઠોડની 38મી પુણ્યતિથિ, જાણો ઈન્દિરા ગાંધી કેમ તેમને મળવા ખાસ દહેગામ આવ્યા

દહેગામના પૂર્વ ધારાસભ્ય સ્વ. ખુમાનસિંહ રાઠોડની આજે 38મી પુણ્યતિથિ છે. શૂન્યમાંથી સર્જન કરનાર આ જનનેતાની સાદગી અને સેવાના વારસાને આજે તેમનો પરિવાર આગળ ધપાવી રહ્યો છે.

 

દહેગામ, ગુરુવાર
રાજકારણમાં ઘણા નેતાઓ સત્તાના જોરે મોટા બને છે, પરંતુ કેટલાક એવા વિરલ વ્યક્તિત્વ હોય છે જે સત્તા નહીં પણ લોકો સાથેના અતૂટ જોડાણથી અમર થઈ જાય છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય સ્વ. ખુમાનસિંહ રાઠોડ આવું જ એક નામ છે. આજે તેમની 38મી પુણ્યતિથિ છે ત્યારે આખું દહેગામ આ લોકનેતાને યાદ કરીને ભાવુક બની રહ્યું છે.

શૂન્યમાંથી સર્જન: ડેરીમાં કેન ધોવાથી ધારાસભ્ય સુધીની સફર
મૂળ રાજસ્થાનના વતની ખુમાનસિંહ રાઠોડ નાની ઉંમરે ગુજરાત આવ્યા હતા. તેમનું જીવન સંઘર્ષની જીવંત મિસાલ હતું. શરૂઆતના દિવસોમાં તેમણે દૂધની ડેરીમાં કેન ધોવાનું કામ પણ કર્યું હતું. ત્યારબાદ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કર્યો અને ધીરે-ધીરે પોતાની મહેનતથી આગળ આવ્યા. નગર પંચાયતના સભ્ય તરીકે જાહેર જીવનની શરૂઆત કરનાર ખુમાનસિંહ બાપુએ પોતાની સાદગી અને લોકોની સેવાના જોરે ધારાસભ્ય પદ સુધીની સફર ખેડી હતી.

 

જ્યારે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ખબર અંતર પૂછવા દહેગામ આવ્યા
ખુમાનસિંહ બાપુની લોકપ્રિયતા કેટલી પ્રચંડ હતી તેનો અંદાજ એક ઐતિહાસિક ઘટના પરથી લગાવી શકાય છે. એક વખત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. જોકે, દહેગામની જનતાએ પોતાના નેતા પર એટલો ભરોસો મૂક્યો કે તેમને રેકોર્ડબ્રેક જનાદેશ આપી વિજયી બનાવ્યા. આ અકસ્માત બાદ તેમના ખબર અંતર પૂછવા માટે દેશના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ખુદ દિલ્હીથી ખાસ દહેગામ આવ્યા હતા, જે તે સમયની મોટી વાત ગણાતી હતી.

24 કલાક ખુલ્લા રહેતા ઘરના દરવાજા
બાપુ હંમેશા જનતાની વચ્ચે રહેવા ટેવાયેલા હતા. તેમના ઘરના દરવાજા પ્રજા માટે દિવસ-રાત ખુલ્લા રહેતા. રોજ સવારે તેમના આંગણે ‘લોકદરબાર’ ભરાતો, જ્યાં નેતા અને જનતા એકસાથે બેસીને ચા-નાસ્તો કરતા અને ગામના પ્રશ્નોની ચર્ચા થતી. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે તેમણે નગર પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી સતત સંકલન જાળવીને અનેક કામો કરાવ્યા હતા.

પરિવારે જાળવી રાખ્યો છે સેવાનો વારસો
ખુમાનસિંહ બાપુના અવસાન બાદ પણ તેમના પરિવારે સેવાનો આ દીવો પ્રજ્વલિત રાખ્યો છે. તેમના પત્ની કમળાબાએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આજે આ વારસાને તેમની પુત્રવધૂ કામિનીબા રાઠોડ આગળ વધારી રહ્યા છે. કામિનીબા 2010માં નગરપાલિકાના પ્રમુખ અને ત્યારબાદ દહેગામના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ગાંધીનગર જિલ્લા ભાજપના મંત્રી તરીકે કાર્યરત છે.

 

બાપુના પુત્રો પણ લોકસેવામાં સક્રિય રહ્યા છે. તેમના પુત્ર સ્વ. દિનેશસિંહ રાઠોડ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યારે ત્રીજા પુત્ર ભુપેન્દ્રસિંહ રાઠોડ કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.

આજે જ્યારે ખુમાનસિંહ રાઠોડની 38મી પુણ્યતિથિ છે, ત્યારે દહેગામના ખૂણે ખૂણે લોકો તેમને એક પરિવારના મોભી તરીકે યાદ કરે છે. ડેરીમાં મજૂરી કરવાથી લઈને દિલ્હી સુધી જેમના નામની ગુંજ હતી, તેવા બાપુનું જીવન અને તેમનો સેવાભાવ આજે પણ તેમના પરિવારના માધ્યમથી જીવંત છે.

 

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!