પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ TMC માં મોટો ભૂકંપ આવ્યો છે. મમતા બેનર્જીના પ્રદર્શનમાંથી 44 ધારાસભ્યો ગાયબ છે, જ્યારે 31 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે.

પશ્ચિમ બંગાળ, શુક્રવાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કારમી હારનો સામનો કર્યા પછી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટો ભડકો જોવા મળી રહ્યો છે. પક્ષની અંદરનો અસંતોષ અને જૂથવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. બંગાળના રાજકારણમાં અત્યારે મોટો ભૂકંપ આવ્યો છે કારણ કે મમતા બેનર્જીના એક મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શનમાંથી અડધાથી વધુ ધારાસભ્યો ગાયબ રહ્યા છે અને બે નગરપાલિકાઓના કાઉન્સિલરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે.
મમતાના ધરણા પ્રદર્શનથી 44 ધારાસભ્યો રહ્યા દૂર
બંગાળમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં બનેલી નવી ભાજપ સરકાર દ્વારા બુલડોઝરની કાર્યવાહી, ફૂટપાથ પરથી દુકાનદારોને હટાવવાની ઝુંબેશ અને ચૂંટણી પછીની હિંસાના વિરોધમાં TMC દ્વારા એક ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શન વિધાનસભા પરિસરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયું હતું. જો કે, આ પ્રદર્શને TMC ની આંતરિક નબળાઈ ખુલ્લી પાડી દીધી છે, TMCના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 36 ધારાસભ્યો જ આ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. બાકીના 44 ધારાસભ્યોએ આ કાર્યક્રમથી સંપૂર્ણ દૂરી બનાવી લીધી હતી. જ્યારે પક્ષ પોતાની જમીની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે અડધાથી વધુ ધારાસભ્યોની ગેરહાજરી પક્ષમાં ચાલી રહેલા મોટા જૂથવાદ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
નેતાઓનો આક્રોશ: હાઈકમાન્ડ સામે ઉઠ્યા સવાલો
આ પહેલા 19 મે ના રોજ કાલીઘાટ ખાતે મમતા બેનર્જી અને પક્ષના મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં પણ 15 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જે નેતાઓ હાજર હતા તેમણે બંધ બારણે થતી બેઠકો અને પક્ષની રણનીતિ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. કલકત્તા અને હાવડાના ધારાસભ્યોએ સવાલ કર્યો કે ફલતા બેઠક પરથી મતદાનના બરાબર 2 દિવસ પહેલાં જહાંગીર ખાને ચૂંટણી મેદાન કેમ છોડી દીધું? અને તેની સામે હજુ સુધી કોઈ શિસ્તભંગના પગલાં કેમ નથી લેવાયા? આ સીધો પ્રહાર ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી પર હતો, કારણ કે ફલતા બેઠક તેમના જ વિસ્તારમાં આવે છે.
બે નગરપાલિકાઓમાં મોટો બળવો: 31 ના રાજીનામા
ધારાસભ્યોની નારાજગી વચ્ચે ઉત્તર 24 પરગણા જિલ્લામાં ટીએમસીને બીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અહીંની બે નગરપાલિકાઓમાં કાઉન્સિલરોએ બળવો પોકારી દીધો છે.
કાંચરાપાડા નગરપાલિકા: અહીના કુલ 24 માંથી 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે.
હલીશહર નગરપાલિકા: અહીના 23 માંથી 16 કાઉન્સિલરોએ કટોકટીની બેઠક બોલાવીને સામૂહિક રાજીનામા સુપરત કરી દીધા છે, જેમાં 5 મહિલાઓ પણ સામેલ છે.
આ મોટો બળવો કાઉન્સિલર રાજુ સાહનીના નેતૃત્વમાં થયો છે. ચૂંટણી પરિણામો પછી સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતા અને નગરસેવાઓના ધાંધિયાથી આ સભ્યો ભારે નારાજ હતા.
શું નારાજ કાઉન્સિલરો ભાજપમાં જોડાશે?
આ મોટા રાજકીય ઘટનાક્રમ પાછળ બીજપુરના ભાજપના ધારાસભ્ય સુદીપ્ત દાસની મોટી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં જ તેમણે આ નારાજ સભ્યો સાથે બેઠક કરી હતી. સુદીપ્ત દાસે રાજીનામું આપનાર 16 કાઉન્સિલરોની યાદી જાહેર કરીને જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે, “નગરપાલિકાના વહીવટ કે સામાન્ય નાગરિકોની સુવિધાઓ પર આની કોઈ અસર નહીં પડે.”
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આવનારા દિવસોમાં આ તમામ બળવાખોર કાઉન્સિલરો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. એક તરફ પક્ષ તૂટી રહ્યો છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે મમતા બેનર્જી અને ટીએમસી હાઈકમાન્ડે હાલ પૂરતું સંપૂર્ણ મૌન સેવી લીધું છે.











