સોશિયલ મીડિયા પર મજાકમાં શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી ભાજપ-કોંગ્રેસને પછાડી 1.5 કરોડ ફોલોઅર્સ સુધી પહોંચી ગઈ છે. જાણો ટ્રેડમાર્ક વિવાદ અને સુપ્રીમ કોર્ટ કનેક્શન.

નવી દિલ્હી, શુક્રવાર
સોશિયલ મીડિયા પર એક મજાક તરીકે શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party) આજે દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર આ ડિજિટલ પાર્ટીએ એવી ધૂમ મચાવી છે કે ફોલોઅર્સની બાબતમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી રાષ્ટ્રીય પાર્ટીઓને પણ પાછળ છોડી દીધી છે.
માત્ર 5 જ દિવસની અંદર આ પેજ પર 1.5 કરોડથી વધુ ફોલોઅર્સ જોડાઈ ચૂક્યા છે. જોકે, એક તરફ તેને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ ભારતમાં કોકરોચ જનતા પાર્ટીના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે. હવે આ વાયરલ ટ્રેન્ડ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ એક મોટા કાનૂની વિવાદમાં ફેરવાઈ ગયો છે.
કોકરોચ જનતા પાર્ટીના ટ્રેડમાર્ક માટે પડાપડી
પહેલા આ નામના અનેક ફેક એકાઉન્ટ્સ બન્યા, એકાઉન્ટ બ્લોક અને રિસ્ટોર થવાની ચર્ચાઓ ચાલી, અને હવે આ મામલો સીધો ટ્રેડમાર્ક (Trademark)ની માલિકીની લડાઈ સુધી પહોંચી ગયો છે. કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્કની સત્તાવાર વેબસાઈટ મુજબ, ક્લાસ 45 હેઠળ આ નામના રજિસ્ટ્રેશન માટે બે અલગ-અલગ વ્યક્તિઓએ દાવો નોંધાવ્યો છે અને તેની શરૂઆતની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે.
પહેલી અરજી: અજીમ અદમભાઈ જમ દ્વારા “COCKROACH JANTA PARTY” નામથી કરવામાં આવી છે, જેનો એપ્લિકેશન નંબર 7737937 છે.
બીજી અરજી: અખંડ સ્વરૂપ નામના વ્યક્તિએ “Cockroach Janta Party” નામથી કરી છે, જેનો એપ્લિકેશન નંબર 7741481 છે.
કોણે બનાવી હતી આ કોકરોચ જનતા પાર્ટી?
આ પાર્ટીની શરૂઆતની કહાની ખૂબ જ રસપ્રદ છે. બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી અને પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દિપકેએ માત્ર એક રાજકીય કટાક્ષ (Satire) તરીકે આ પેજ બનાવ્યું હતું. આ પેજે પોતાની જાતને “Voice of the Lazy & Unemployed” એટલે કે આળસુ અને બેરોજગારોનો અવાજ ગણાવી હતી. જોતજોતામાં આ મીમ ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયું અને એક મોટી બ્રાન્ડ બની ગયું.
કેવી રીતે શરૂ થયો હતો આખો વિવાદ?
આ સમગ્ર ઘટનાક્રમનું મૂળ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી સાથે જોડાયેલું છે. ગયા અઠવાડિયે એક કેસની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કથિત રીતે એક ટિપ્પણી કરી હતી કે, કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે. જેમને કોઈ રોજગાર કે વ્યવસાય મળતો નથી, તેઓ મીડિયામાં જાય છે, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને પછી આખી સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરે છે.
CJIના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જોકે, વિવાદ વધતા જસ્ટિસ સૂર્યકાંતે બીજા જ દિવસે સ્પષ્ટતા કરી હતી કે તેમની વાતનો ઈશારો માત્ર નકલી ડિગ્રી ધરાવનારા લોકો તરફ હતો, દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ, ત્યાં સુધીમાં તો આ વિરોધના પ્રતીક તરીકે કોકરોચ જનતા પાર્ટી એક મોટું ડિજિટલ આંદોલન બની ચૂકી હતી.
ડિજિટલ રાજનીતિનો નવો અધ્યાય
આ ઘટનાએ એક નવી ચર્ચા જગાવી છે કે શું ઇન્ટરનેટ પર વાયરલ થતા મીમ કે નામ પર માલિકી હક જમાવવો યોગ્ય છે? યુઝર્સ તેને મીમ બ્રાન્ડિંગ અને ડિજિટલ કબજાની લડાઈ કહી રહ્યા છે. જો કોઈ એક વ્યક્તિને આ ટ્રેડમાર્ક મળી જશે, તો ભવિષ્યમાં આ નામના ઉપયોગને લઈને કડક કાયદાકીય નિયમો લાગુ થઈ શકે છે. એક મજાક તરીકે શરૂ થયેલી આ સફર હવે સાચા અર્થમાં ડિજિટલ રાજનીતિ અને કાનૂની લડાઈનો હિસ્સો બની ગઈ છે. હવે જોવું એ રહ્યું કે આ કોકરોચ નો કાનૂની અધિકાર આખરે કોને મળે છે.











