દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? 10 દિવસમાં 3 વાર ભાવ વધારા બાદ ભીડ વધતા IOCLનો મોટો ખુલાસો

દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે ચાલી રહેલી અફવાઓ પર દેશની સૌથી મોટી ઓઈલ કંપની IOCL એ મોટો ખુલાસો કર્યો છે. જાણો પેટ્રોલ પંપ પર ભીડનું સાચું કારણ અને લેટેસ્ટ અપડેટ.

નવી દિલ્હી, શનિવાર
છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત વધારો થયા બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે. બજારમાં એવી અફવાઓ ઉડી રહી છે કે દેશમાં ઈંધણની અછત (Fuel Shortage) સર્જાઈ છે અને તેના કારણે પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે, આ અફરાતફરી વચ્ચે દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) એ શનિવારે એક સત્તાવાર નિવેદન આપીને મોટી સ્પષ્ટતા કરી છે. કંપનીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ જ અછત નથી અને સપ્લાય એકદમ નોર્મલ છે.

પેટ્રોલ પંપ પર અચાનક ભીડ કેમ વધી? IOCL એ આપ્યા આ કારણો
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે કેટલાક છૂટક પેટ્રોલ પંપ પર જે અછત દેખાઈ રહી છે, તે માત્ર સ્થાનિક અને ટૂંકા સમય માટેની છે. આ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે.

ખેતીની સિઝન: અત્યારે પાક લણવાની સિઝન ચાલી રહી હોવાથી ટ્રેક્ટર અને મશીનરીમાં ડીઝલનો વપરાશ અચાનક વધી ગયો છે.
પ્રાઈવેટ vs સરકારી પંપ: ખાનગી પેટ્રોલ પંપ પર ઈંધણના ભાવ ધારણા કરતા વધારે હોવાથી ગ્રાહકો સરકારી પંપ તરફ વળ્યા છે. જેના કારણે સરકારી પંપો પર અચાનક ભીડ વધી ગઈ છે.

વેચાણમાં જંગી ઉછાળો છતાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ
IOCL ના સત્તાવાર આંકડા મુજબ, 1 થી 22 મેની વચ્ચે દેશમાં પેટ્રોલના વેચાણમાં વાર્ષિક ધોરણે 14 ટકા અને ડીઝલના વેચાણમાં આશરે 18 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આમ છતાં કંપનીએ આ વધેલી માંગને સફળતાપૂર્વક પૂરી કરી છે. દેશભરમાં IOC ના 42000 થી વધુ પેટ્રોલ પંપ આવેલા છે. આટલા વિશાળ નેટવર્કમાં માત્ર ગણ્યાગાંઠ્યા પંપ પર જ સપ્લાયને થોડી અસર થઈ છે, બાકીના મોટાભાગના પંપ પર ઈંધણનો પૂરતો સ્ટોક હાજર છે.

વૈશ્વિક સંકટ વચ્ચે ભારતમાં માત્ર 5% નો જ ભાવ વધારો
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આખી દુનિયામાં તેલનું ભારે સંકટ છે, તેમ છતાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) સળંગ 76 દિવસ સુધી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નહોતા. ત્યારબાદ 15, 19 અને 23 મે ના રોજ ત્રણ તબક્કામાં ભાવ વધારવામાં આવ્યા.

આ વધારા પછી પણ ભારતમાં કુલ વધારો માત્ર 4.74 થી 4.82 રૂપિયા પ્રતિ લિટર જ રહ્યો છે. અન્ય દેશોમાં જ્યાં ઈંધણ 20% થી લઈને 90% સુધી મોંઘુ થઈ ગયું છે, ત્યાં ભારતમાં આ વધારો માત્ર 5% જેટલો જ છે.

સૌથી મોંઘું ઈંધણ: તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશ.
સૌથી સસ્તું ઈંધણ: ગુજરાત, યુપી, દિલ્હી, હરિયાણા, ગોવા અને આસામ.

સરકારે ટેક્સ ઘટાડીને ગ્રાહકોને આપી મોટી રાહત
રશિયા-યુક્રેન યુદ્ધ અને હોર્મુઝ સંકટને કારણે વૈશ્વિક બજારમાં ભડકે બળતા ભાવોથી ભારતીય ગ્રાહકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે માર્ચ 2026 માં એક મોટો નિર્ણય લીધો હતો. સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 10 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીને શૂન્ય કરી દીધી હતી.

આ ટેક્સ ઘટાડાના કારણે સરકારની તિજોરી પર સીધો 30000 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. બીજી તરફ, તેલ કંપનીઓને રોજનું 1000 કરોડ રૂપિયાનું માતબર નુકસાન જતું હતું. જોકે, મે મહિનામાં થયેલા ભાવ વધારા બાદ કંપનીઓનું આ નુકસાન ઘટીને હવે રોજનું 750 કરોડ રૂપિયા થઈ ગયું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!