સરકારે બાજરી માટે 615 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે, પરંતુ બારદાનની અછતને લીધે ગાંધીનગરમાં ખરીદી શરૂ થઈ નથી. ખેડૂતોને ઓપન માર્કેટમાં સસ્તા ભાવે બાજરી વેચી મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ગાંધીનગર, મંગળવાર
રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં બાજરી માટે ટેકાના ભાવ તો જાહેર કરી દીધા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ સાવ અલગ જ જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં બારદાન એટલે કે કોથળા ના અભાવે બાજરીની ટેકાના ભાવે ખરીદી હજુ સુધી શરૂ જ નથી થઈ શકી. આ કારણે પોતાના પરસેવાની કમાણી ઓપન બજારમાં સસ્તા ભાવે વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..
16 મેથી શરૂ થવાની હતી ખરીદી
સરકારી કાર્યક્રમ અને જાહેરાત મુજબ 16 મેથી ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરવાની હતી. પરંતુ ગાંધીનગર જિલ્લાના ખરીદ કેન્દ્રો હજુ પણ કાર્યરત થયા નથી. ખેડૂતો પોતાનો પાક લઈને રાહ જોઈ રહ્યા છે, પરંતુ તંત્રની કોઈ તૈયારી ન હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ખેડૂતોને થઈ રહ્યું છે સીધું આર્થિક નુકસાન
સરકારે બાજરીનો ટેકાનો ભાવ 1 મણ દીઠ 615 રૂપિયા નક્કી કર્યો છે. પરંતુ સરકારી ખરીદ કેન્દ્રો બંધ હોવાથી ખેડૂતોને પોતાનો પાક ઓપન માર્કેટમાં વેચવો પડી રહ્યો છે. હાલમાં ઓપન બજારમાં વેપારીઓ માત્ર 460થી 470 રૂપિયા પ્રતિ મણનો જ ભાવ આપી રહ્યા છે. આ સીધા ગણિત મુજબ જોઈએ તો, ખેડૂતોને એક મણ પાછળ અંદાજે 145થી 155 રૂપિયાનું મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
જાણી લઇએ કેમ અટકી છે ખરીદીની પ્રક્રિયા?
મળતી માહિતી મુજબ આ ખરીદીની સંપૂર્ણ જવાબદારી પુરવઠા વિભાગની હોય છે. ગાંધીનગર જિલ્લાના મુખ્ય મથકો જેવા કે દહેગામ, કલોલ, માણસા અને ખુદ ગાંધીનગરમાં આ ખરીદી કરવાની હોય છે. પરંતુ તંત્ર પાસે પાક ભરવા માટે જરૂરી બારદાન જ ઉપલબ્ધ નથી… બારદાનની આ અછતને કારણે આખી ખરીદ પ્રક્રિયા હાલ પૂરતી થંભી ગઈ છે.
ખેડૂતોની તાત્કાલિક માંગ
મોંઘા બિયારણ અને ખાતર લાવીને રાત-દિવસ ખેતી કરતો ખેડૂત હવે તંત્રની ઢીલી નીતિથી કંટાળ્યો છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર અને પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે બારદાનની વ્યવસ્થા કરે અને ખરીદ કેન્દ્રો વહેલામાં વહેલી તકે ચાલુ કરે. જો આમ નહીં થાય તો ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડશે અને તેમને પોતાનો બધો જ પાક પાણીના ભાવે બજારમાં આપી દેવો પડશે જે ખેડૂતો સાથે મોટો અન્યાય છે..











