પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ: મહિલા પ્રમુખના પતિના ભ્રષ્ટાચારથી કંટાળી ભાજપના 15 કાઉન્સિલરોનું સાગમટે રાજીનામું

પ્રાંતિજ નગરપાલિકામાં મોટો રાજકીય ભૂકંપ. પ્રમુખ અને તેમના પતિના કથિત ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી કંટાળીને શાસક પક્ષ ભાજપના 15 કાઉન્સિલરોએ સાગમટે રાજીનામું આપતા ખળભળાટ.

પ્રાંતિજ, સોમવાર
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકામાં ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. થોડા જ દિવસો પહેલા પાલિકાનો એક આસિસ્ટન્ટ એન્જિનિયર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ હવે શાસક પક્ષ ભાજપમાં આંતરિક બળવો ફાટી નીકળ્યો છે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના ગંભીર આક્ષેપો સાથે ભાજપના મોટાભાગના કાઉન્સિલરોએ રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

નગરપાલિકાનું સંખ્યાબળ અને રાજીનામા
પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 સભ્યો ચૂંટાયેલા છે. જેમાં શાસક પક્ષ ભાજપ પાસે 19 સભ્યોની સ્પષ્ટ બહુમતી છે. આ ઉપરાંત અપક્ષના 3 અને કોંગ્રેસના 2 સભ્યો છે. પરંતુ, ભાજપ છાવણીમાં અસંતોષ એટલી હદે વધી ગયો કે 19 માંથી 15 સભ્યોએ સીધા સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને પોતાનું સાગમટે રાજીનામું સોંપી દીધું છે.

રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ શું?
સામૂહિક રાજીનામું આપનાર કાઉન્સિલરોએ વર્તમાન મહિલા પ્રમુખ અને તેમના પતિ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સભ્યોની નારાજગીના મુખ્ય કારણો નીચે મુજબ છે:

પતિનો વહીવટ: આક્ષેપ છે કે મહિલા પ્રમુખ પાલિકા કચેરીમાં આવતા જ નથી અને પડદા પાછળથી તમામ વહીવટ તેમના પતિ ચલાવી રહ્યા છે.
ભ્રષ્ટાચાર અને દખલગીરી: પ્રમુખના પતિ કેટલાક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને વિકાસના કામોમાં સીધી દખલગીરી કરે છે.
નિયમોનો ભંગ: પાલિકામાં કોઈપણ ખરીદી માટે કારોબારી સમિતિની મંજૂરી લેવી ફરજિયાત હોય છે, પરંતુ અહીં મંજૂરી વગર જ બિલો પાસ કરીને લાખો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવે છે.
અસભ્ય વર્તન: આ ઉપરાંત, સભ્યો સાથે અયોગ્ય અને અસભ્ય વર્તન કરવામાં આવતું હોવાની પણ વ્યાપક રાવ ઊઠી છે.

રાજીનામું આપનાર સભ્યોના નામ
જે 15 કાઉન્સિલરોએ વિરોધ નોંધાવીને રાજીનામા આપ્યા છે તેમાં મકવાણા મહેશકુમાર કચરાજી, રામી નિકુંજકુમાર ગોવિંદભાઈ, પટેલ ગીરીશકુમાર દશરથલાલ, સોની મનીષીબેન અમશિરકુમાર, પરમાર ગોવિંદ કેશાજી, પટેલ નૃયાંશકુમાર અરવિંદલાલ, સુમરા રશીદખાન દોલતખાન, દક્ષાબેન જે. મકવાણા, રાઠોડ તારાબેન કનુસીંગ, મકવાણા સુલેખાબેન દિલીપભાઈ, વાઘેલા જ્યોત્સનાબેન રસીદભાઈ, રાવળ રેણુકાબેન જીતેન્દ્રકુમાર, સથવારા વર્ષાબેન મુકેશકુમાર, ભોઈ વિપુલકુમાર અને દર્શીલ એન દેસાઈનો સમાવેશ થાય છે.

ભૂતકાળમાં પણ સર્જાયો હતો આવો વિવાદ
નોંધનીય છે કે, મહિલા પ્રમુખના પતિ જિજ્ઞેશભાઈ પંડ્યા અગાઉ વર્ષ 2009-10 માં પોતે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તે સમયે પણ તેમની આપખુદ કાર્યશૈલી અને વહીવટ સામે નારાજગી ઊભી થઈ હતી અને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.

આગામી સમયમાં જિલ્લા ભાજપ નેતાગીરી આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો પર શું પગલાં લેવાય છે, તેના પર સૌની નજર ટકેલી છે. હાલ તો 15 સભ્યોના રાજીનામાથી પાલિકાનો વહીવટ અને ભાજપની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી ગઈ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!