ગુજરાતમાં ‘વસ્તી ગણતરી 2027’ ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જાણો ઘરે આવતા અધિકારીઓ તમને કયા 33 પ્રશ્નો પૂછશે, જાતે માહિતી કેવી રીતે ભરવી અને સાચી માહિતી ન આપવા પર દંડની કઈ જોગવાઈ છે.

ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં ‘જનગણના-2027’ એટલે કે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આઝાદી પછીની આ 8મી અને એકંદર 16મી વસ્તી ગણતરી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે. અગાઉ 2011માં વસ્તી ગણતરી થઈ હતી, ત્યારબાદ હવે રાજ્ય સરકારે તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય ઝુંબેશમાં સહકાર આપવા ખાસ અપીલ કરી છે.
બે તબક્કામાં થશે વસ્તી ગણતરીની કામગીરી
વસ્તી ગણતરી નિયામક કચેરી મુજબ, સમગ્ર રાજ્યમાં આ કામગીરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે:
પ્રથમ તબક્કો (1 જૂન 2026 થી 30 જૂન 2026): શરૂ થતા આ તબક્કામાં મુખ્યત્વે ઘરની યાદી અને મકાનોની ગણતરી કરવામાં આવશે. જેમાં ગણતરીદારો તમારા ઘરે આવીને મકાનની સ્થિતિ, પીવાનું પાણી, શૌચાલય, અને અન્ય સુવિધાઓને લગતા કુલ 33 પ્રશ્નો પૂછશે.
બીજો તબક્કો (9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027): આ બીજા તબક્કામાં વ્યક્તિઓની વસ્તી ગણતરી અને તેની સાથે જાતિ આધારિત ગણતરીનું કામ દેશભરમાં પૂર્ણ કરવામાં આવશે.
3.74 લાખથી વધુ નાગરિકોએ કરી ‘સ્વ-ગણતરી’
જે લોકોએ ઓનલાઈન વિકલ્પ પસંદ કર્યો છે તેમની ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) 17 મે 2026 થી જ શરૂ થઈ ગઈ હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ 30 મે 2026 સુધીમાં ફોર્મ ભરી દીધા છે. જેમાંથી 3.30 લાખ ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને 44 હજાર ફોર્મ હાલ પ્રોસેસમાં છે. જે નાગરિકોએ ઓનલાઈન માહિતી ભરી દીધી છે, તેમના ઘરે ગણતરીદાર રૂબરૂ નહિ આવે.
1 લાખથી વધુ કર્મચારીઓની ફોજ મેદાનમાં
સમગ્ર રાજ્યના ગામડાંથી લઈને મહાનગરપાલિકાઓ સુધી આ અભિયાન ચાલશે. આ માટે 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ તૈયાર કરાયા છે. કામગીરી પાર પાડવા 1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરોને 3 અલગ-અલગ તબક્કામાં વિશેષ તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે.
16 ભાષાઓમાં મોબાઈલ એપ અને હેલ્પલાઇન નંબર
આ વખતની જનગણના હાઇટેક છે. એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં એપ ઉપલબ્ધ છે, જેમાં ઓફલાઇન ડેટા પણ સેવ કરી શકાશે. જો નાગરિકોને કોઈ મૂંઝવણ હોય તો તેઓ ભારત સરકારના ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકે છે.
માહિતી ન આપી તો લાગી શકે છે દંડ!
જનગણના અધિનિયમ 1948 અને નિયમો 1990 મુજબ દરેક નાગરિકે સાચી માહિતી આપવી ફરજિયાત છે. જો કોઈ માહિતી આપવાનો ઇનકાર કરશે અથવા ખોટી માહિતી આપશે, તો કાયદા મુજબ દંડની જોગવાઈ છે. જોકે, સરકાર ખાતરી આપે છે કે એકત્રિત કરાયેલી તમામ માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે અને તેનો ઉપયોગ ટેક્સ કે અન્ય કાનૂની કાર્યવાહી માટે કરી શકાશે નહીં.
શરૂ થતી ગણતરીમાં તમને આ 33 પ્રશ્નો પૂછાશે:
ગણતરીદારો તમારા ઘરે આવશે ત્યારે મુખ્યત્વે ઘર, પરિવાર, સુવિધાઓ અને સંપત્તિને લગતા પ્રશ્નો પૂછશે:
મકાન અને ઘરની વિગતો:
મકાન નંબર (સ્થાનિક સત્તા મંડળ દ્વારા અપાયેલ).
વસ્તી ગણતરી ઘર નંબર.
ફ્લોરની મુખ્ય સામગ્રી.
દીવાલોની સામગ્રી.
છતની સામગ્રી.
ઘરનો ઉપયોગ (રહેણાંક કે અન્ય).
ઘરની સ્થિતિ (સારી, સામાન્ય કે નબળી).
પરિવારની માહિતી:
8. ઘરગથ્થુ નંબર.
9. પરિવારના સભ્યોની કુલ સંખ્યા.
10. ઘરના વડાનું પૂરું નામ.
11. ઘરના વડાનું લિંગ (પુરુષ/સ્ત્રી/અન્ય).
12. સમુદાય શ્રેણી (SC/ST કે અન્ય).
13. માલિકીનો દરજ્જો (માલિકીનું કે ભાડાનું).
14. પરિવાર પાસે રહેલા રૂમની સંખ્યા.
15. ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા.
પાણી, વીજળી અને શૌચાલયની સુવિધા:
16-17. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત અને શું તે આખું વર્ષ ઉપલબ્ધ રહે છે? (સંદર્ભમાં ક્રમ 16 અને 17 પાણીની ઉપલબ્ધતા વિશે છે)
18. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત (વીજળી, સોલાર વગેરે).
19. ઘરમાં શૌચાલયની સુવિધા છે કે નહીં?
20. શૌચાલયનો પ્રકાર (ફ્લશ કે પિટ લેટ્રીન).
21. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા (ગટર કે સેપ્ટિક ટાંકી).
22. બાથરૂમ/સ્નાન સુવિધાની ઉપલબ્ધતા.
23. રસોડાની ઉપલબ્ધતા અને LPG/PNG કનેક્શન.
24. રસોઈ માટે વપરાતું મુખ્ય બળતણ.
સંપત્તિ અને અન્ય સગવડો:
25. રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર.
26. ટેલિવિઝન (TV).
27. ઇન્ટરનેટની સુવિધા.
28. લેપટોપ અથવા કમ્પ્યુટર.
29. ટેલિફોન અથવા મોબાઇલ ફોન.
30. સાયકલ, સ્કૂટર કે મોપેડ.
31. કાર, જીપ કે વાન (4 વ્હીલર).
32. ઘરમાં વપરાતું મુખ્ય અનાજ.
33. મોબાઇલ નંબર (માત્ર વસ્તી ગણતરીના મેસેજ માટે).
દેશના વિકાસ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વની પ્રક્રિયા છે. શરૂ થયેલા આ મહાઅભિયાનમાં સાચી માહિતી આપીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવો.











