ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપે ફરી ચલાવી ‘નો રિપીટ થિયરી, 4 નવા ઉમેદવારો મેદાનમાં, જાણો કોંગ્રેસના કેમ થશે સૂપડા સાફ!

ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026 માટે ભાજપે નો રિપીટ થિયરી લાગુ કરી 4 નવા ઉમેદવારો જાહેર કર્યા. જાણો કોને મળી ટિકિટ અને રાજ્યસભામાં કેમ થશે કોંગ્રેસ શૂન્ય.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત સહિત દેશભરમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે પોતાની જૂની અને જાણીતી નો રિપીટ થિયરી ફરીવાર લાગુ કરી છે. જેના કારણે રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત્ત થઈ રહેલા ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓનું પત્તું કપાઈ ગયું છે.

પાર્ટીએ આ વખતે પ્રાદેશિક સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. જાહેર કરાયેલા 4 ઉમેદવારોમાંથી બે નેતાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવે છે, જ્યારે અન્ય બે નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

કોણ છે ભાજપના આ 4 નવા ઉમેદવારો?
ભાજપે આ વખતે જમીની સ્તરના કાર્યકરો અને સંગઠનના નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચાલો જાણીએ આ ચારેય ઉમેદવારો વિશે:

મુકેશ રાઠવા: છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની મુકેશ રાઠવા આદિવાસી સમાજનો મોટો ચહેરો છે. તેઓ સંગઠનમાં બહોળો અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ ભાજપના મહામંત્રી અને યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

જીતેન્દ્ર કણઝારીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી નેતા જીતેન્દ્ર કણઝારીયા સતવારા સમાજમાંથી આવે છે. તેઓ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે (જેમનું 2021 માં કોરોના કાળમાં નિધન થયું હતું).

માનસિંહ પરમાર: ભાજપના સંગઠનમાં સક્રિય એવા માનસિંહ પરમાર હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.

રાજુ શુક્લા: કડી અને કલોલ વિસ્તારમાં ભાજપના પાયાના કાર્યકર તરીકે જાણીતા રાજુ શુક્લા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

કયા 4 સાંસદો થઈ રહ્યા છે નિવૃત્ત?

ગુજરાતમાંથી રાજ્યસભાના 4 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેમાં 3 ભાજપના અને 1 કોંગ્રેસના સાંસદ છે:

રામભાઈ હરજીભાઈ મોકરીયા (ભાજપ – નો રિપીટ)
અમીન નરહરિ હીરાભાઈ (ભાજપ – નો રિપીટ)
રમીલા બેચરભાઈ બારા (ભાજપ – નો રિપીટ)
શક્તિસિંહ હરિચંદ્રસિંહ ગોહિલ (કોંગ્રેસ)

જાણો ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
રાજ્યસભાની આ ચૂંટણી માટેનું શેડ્યુલ નીચે મુજબ છે:

ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Nomination): 8 જૂન 2026
ફોર્મની ચકાસણી (Scrutiny): 9 જૂન 2026
નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026
મતદાન અને પરિણામ: 18 જૂન 2026

ગુજરાત કોંગ્રેસ માટે અસ્તિત્વનું સંકટ
આ ચૂંટણી ભાજપ માટે જેટલી સરળ છે, કોંગ્રેસ માટે તેટલી જ મુશ્કેલ છે. ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે.

ગણિતની વાત કરીએ તો, ગુજરાતમાં રાજ્યસભાની 1 બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોના મતોની જરૂર પડે છે. તેની સામે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ બચ્યા છે. નિયમ મુજબ માત્ર દાવેદારી નોંધાવવા માટે પણ 10 ધારાસભ્યોની જરૂર પડે છે. જો ભાજપ સહેજ પણ રાજકીય દાવપેચ ખેલે, તો કોંગ્રેસ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. આ પરિસ્થિતિ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે અને ભાજપ ક્લીન સ્વીપ કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!