ગુજરાતમાં 23 થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાશે. 100% નામાંકન અને ડ્રોપ-આઉટ રેટ શૂન્ય કરવા માટે જન્મ રજીસ્ટરના આધારે કડક ચકાસણી કરાશે.

ગાંધીનગર, ગુરુવાર
ગુજરાત રાજ્યમાં આગામી 23 થી 25 જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ 2026’ ની શાનદાર ઉજવણી થવા જઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રણાલીને વધુ સચોટ બનાવવાનો અને રાજ્યના 100 ટકા બાળકોનું શાળાઓમાં નામાંકન (એડમિશન) સુનિશ્ચિત કરવાનો હતો.
જન્મ રજીસ્ટરના આધારે થશે સચોટ ડેટા વેરિફિકેશન
રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ વખતે એક નવો અને નક્કર અભિગમ અપનાવાયો છે. 100 ટકા નામાંકનનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પ્રવેશોત્સવ દરમિયાન જન્મ-મરણ રજીસ્ટરના ડેટાની ખાસ ચકાસણી કરવામાં આવશે.
આ રજીસ્ટરના આધારે એ ચેક કરવામાં આવશે કે કેટલા પ્રવેશલાયક બાળકોએ બાલવાટિકા કે ધોરણ 1 માં એડમિશન લીધું છે. જો જન્મ રજીસ્ટર મુજબ કોઈ બાળકે પ્રવેશ નથી મેળવ્યો, તો તેની પાછળના કારણોની ખાસ નોંધ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ડેટા વેરિફિકેશન સિસ્ટમ બાળકોને શાળા સુધી પહોંચાડવા માટે એક બ્રહ્માસ્ત્ર સાબિત થશે.
ડ્રોપ-આઉટ રેટ શૂન્ય કરવાનો દ્રઢ નિર્ધાર
બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓની વિગતોનું યોગ્ય મેપિંગ કરીને ડ્રોપ-આઉટ રેટને ઝીરો (શૂન્ય) પર લાવવાનો સરકારનો મજબૂત નિર્ધાર છે.
શિક્ષણના પાયામાં ગુણવત્તાયુક્ત સુધારા લાવવા માટે આ બેઠકમાં બે મોટા લોકાર્પણ પણ કરાયા હતા:
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) પર આધારિત ‘સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF)’
શાળાઓના વૈજ્ઞાનિક અને સચોટ મૂલ્યાંકન માટે ‘સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)’
શૈક્ષણિક ઝુંબેશનું 24 મું વર્ષ અને નવી સિદ્ધિઓ
પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવાના હેતુથી 3 વર્ષીય ‘નિપુણ ગુજરાત કાર્યક્રમ’ ની પણ શરૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ ભગીરથ શિક્ષણ ઝુંબેશ હવે સફળતાપૂર્વક પોતાના 24 મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. આ ગૌરવશાળી પ્રસંગે શિક્ષણમંત્રી ડો. પ્રફુલ્લ વાજાએ માહિતી આપી હતી કે ‘સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ’ માં ગુજરાત આખા દેશમાં પ્રથમ ક્રમે બિરાજે છે.
6.5 લાખ બાળકો ફરી શિક્ષણના પ્રવાહમાં જોડાયા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મોટી સફળતા વર્ણવતા જણાવ્યું કે, ચાલુ શૈક્ષણિક સત્રમાં જે 6.5 લાખથી વધુ બાળકોએ અધવચ્ચે શાળા છોડી દીધી હતી, તેમને શોધીને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે.
તેમણે તમામ અધિકારીઓને હૃદયપૂર્વક અપીલ કરી હતી કે આ પ્રવેશોત્સવને માત્ર એક સરકારી કામકાજ ન ગણતા, તન અને મનથી જોડાઈને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે. સાથે જ શિક્ષકો અને વાલીઓએ સંયુક્ત રીતે પ્રયાસ કરવો પડશે જેથી બાળકો દરરોજ શાળાએ આવવાની આદત કેળવે, તેમની સવારની દિનચર્યા સુધરે અને શાળામાં સ્વચ્છતા જાળવવા પ્રત્યેનો સામાજિક અભિગમ વધુ મજબૂત બને.











