ફૂટપાથ પર ચાલવું તમારો મૂળભૂત અધિકાર છે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સરકારને નવો કાયદો બનાવવાનો આદેશ

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સરકારને નવો કાયદો બનાવવા આદેશ આપ્યો છે. જાણો આ નવા નિયમ વિશે બધું જ.

નવી દિલ્હી, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે દેશના સામાન્ય નાગરિકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. રસ્તા પર પગપાળા ચાલતા લોકો માટે આ એક મોટા સમાચાર છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એ નાગરિકોનો મૌલિક અધિકાર છે.’ આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે એક નવો કાયદો બનાવવા માટે કડક સૂચના આપી છે. આ નવા કાયદા હેઠળ રાહદારીઓ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જવાબદારી સ્થાનિક સંસ્થાઓ પર નાખવામાં આવશે.

વાહનો કરતાં પગપાળા ચાલનારાઓનો અધિકાર વધુ મહત્વનો
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેંચે આ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ભારતીય બંધારણના આર્ટિકલ 19(1)(d) અને આર્ટિકલ 21 મુજબ નાગરિકોને મુક્તપણે હરવા-ફરવાનો અધિકાર છે, જેમાં પગપાળા ચાલવાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે રસ્તા પર મોટર વાહનોથી આવવા-જવા કરતાં પગપાળા ચાલવાનો અધિકાર ઘણો વધારે મહત્વ ધરાવે છે. જો કોઈપણ નાગરિકના આ અધિકારનું હનન થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કેસ કરીને કાયદાકીય રીતે વળતર માંગી શકશે.

સુપ્રીમ કોર્ટે તંત્રની આકરી ઝાટકણી કાઢી
દેશના રસ્તાઓની હાલત અને તંત્રની કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો. રસ્તા બનાવવાની સાથે સારા ફૂટપાથ બનાવવા અને તેની જાળવણી કરવી એ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળ અને પંચાયતોની સીધી જવાબદારી છે. હાલમાં આપણું તંત્ર માત્ર વાહનો સરળતાથી ચાલી શકે તેવા રસ્તાઓ બનાવવામાં જ વ્યસ્ત છે. ચાલતા લોકોને સાઇડ પર ધકેલી દેવામાં આવ્યા છે, પરંતુ કોર્ટે ચેતવણી આપી છે કે હવે આ પ્રકારની બેદરકારી બિલકુલ નહીં ચાલે.

5 વર્ષના માસૂમ બાળકના મોતનો કેસ
આ ઐતિહાસિક ચુકાદો વર્ષ 2016 ની એક દુઃખદ ઘટના સાથે જોડાયેલા ક્લેમ કેસમાંથી આવ્યો છે. ઘટના મુજબ, એક 5 વર્ષનો માસૂમ બાળક શાળાએ જઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવતા એક ટેન્કરે તેને જોરદાર ટક્કર મારી દીધી, જેમાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. નોંધનીય બાબત એ છે કે જે રસ્તા પર આ ગોઝારો અકસ્માત સર્જાયો ત્યાં ચાલવા માટે કોઈ ફૂટપાથ કે રોડ ક્રોસિંગની વ્યવસ્થા જ ન હતી.

સુપ્રીમ કોર્ટે વળતરની રકમ 11 લાખથી વધુ કરી
આ અકસ્માત કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ એ અગાઉ 7.82 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું. પરંતુ, ત્યારબાદ હાઈકોર્ટે આ રકમ ઘટાડીને 4.70 લાખ રૂપિયા કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને સંપૂર્ણપણે ભૂલભરેલો ગણાવ્યો છે. ન્યાય આપતા સુપ્રીમ કોર્ટે મૃતક બાળકના પરિવાર માટે વળતરની રકમ વધારીને 11,44,628 રૂપિયા કરી દીધી છે. આ સાથે જ વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે 2 મહિનાની અંદર આ પૂરેપૂરી રકમ પરિવારને ચૂકવી દેવામાં આવે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સામાન્ય માણસના હક માટે એક મોટું અને સકારાત્મક પગલું છે. નવો કાયદો બનવાથી હવે રસ્તાઓ માત્ર વાહનો માટે જ નહીં, પરંતુ રાહદારીઓ માટે પણ વધુ સુરક્ષિત બનશે. કાયદો બન્યા બાદ ફૂટપાથ વગરના રસ્તાઓ બનાવવા બદલ સ્થાનિક તંત્રએ સીધો જવાબ આપવો પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!