અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ધોરણ 12 પાસ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ઉચ્ચ અભ્યાસની આર્થિક સહાય માટે સાયબેજ ખુશ્બૂ શિષ્યવૃત્તિ 2026 માં 30 જૂન સુધીમાં અરજી કરો.

ગાંધીનગર, શુક્રવાર
જો તમે 12મું ધોરણ પાસ કરી લીધું છે અને આગળ ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે. ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ એન્જિનિયર કે ડોક્ટર બનવા માંગે છે, પણ ઘરની આર્થિક પરિસ્થિતિ તેમના સપના વચ્ચે મોટી દીવાલ બનીને ઊભી રહી જાય છે. પણ હવે તમારે નિરાશ થવાની કોઈ જ જરૂર નથી!
દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા અને ધોરણ 12 પછી ભણતરનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓ માટે એક શાનદાર સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે. ‘સાયબેજ ખુશ્બૂ શિષ્યવૃત્તિ 2026’ અંતર્ગત તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસનો રસ્તો સરળ બનાવવામાં આવશે.
કયા કોર્સ માટે મળશે સહાય?
જો તમે એન્જિનિયરિંગ, IT, મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, ફાર્મસી કે ફિઝિયોથેરાપી જેવા મોંઘા અને પ્રોફેશનલ કોર્સમાં એડમિશન લેવા માંગો છો, તો આ શિષ્યવૃત્તિ તમને પૂરી આર્થિક મદદ કરશે. કોલેજના પહેલા વર્ષ માટે કુલ 55 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે. જેમાં 50 એવા વિદ્યાર્થીઓને પહેલી પ્રાયોરિટી અપાશે જેમને ખરેખર આર્થિક મદદની સૌથી વધુ જરૂર છે.

સ્કોલરશિપ મેળવવા માટેની પાત્રતા
આ સહાય માટે અરજી કરતા પહેલા આટલા નિયમોનું ખાસ ધ્યાન રાખવું
અરજી કરનાર વિદ્યાર્થીએ ધોરણ 10 અને ધોરણ 12 બંનેમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.
વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જરૂરી છે.
આ શિષ્યવૃત્તિનો લાભ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ જ લઈ શકશે.
50 વિદ્યાર્થીઓને મળશે સીધી પ્રાથમિકતા
આ યોજનાની સૌથી ખાસ અને મહત્વની વાત એ છે કે, જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ખરેખર ખૂબ જ નબળી છે અને તેમને આર્થિક મદદની સૌથી વધુ જરૂર છે, તેવા ટોપ 50 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપમાં પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે.
કેવી રીતે અને ક્યાં અરજી કરવી?
જો તમે પણ આ તમામ નિયમોમાં યોગ્ય ઠરો છો, તો બિલકુલ મોડું ન કરો. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે. અરજી કરવા માટે તમારે આજે જ ઓફિશિયલ વેબસાઈટ scholarship.cybagekhushboo.org પર જવાનું રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે તમે સ્ક્રીન કે વેબસાઈટ પર આપેલા હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી શકો છો.
પૈસાના અભાવે કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે આ એક ઉમદા પહેલ છે. આજે જ અરજી કરીને તમારા સપનાઓને નવી ઉડાન આપો.











