12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતમાં લદ્દાખથી ગંગા કિનારા સુધી અદભુત નજારો. પીએમ મોદીએ કોલકાતામાં તો રાષ્ટ્રપતિ મુર્મુએ જબલપુરમાં યોગ કર્યા. જાણો પીએમ મોદીનો ખાસ સંદેશ.

નવી દિલ્હી, રવિવાર
આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર દુનિયામાં યોગની અદભુત ઉજવણી જોવા મળી રહી છે. ભારતમાં પણ ઉત્સાહનો માહોલ છે. લદ્દાખના 14000 ફૂટ ઊંચા બરફીલા પહાડો પર ITBP ના જવાનોએ યોગ કર્યા, તો પટનામાં નદીના પાણી વચ્ચે ઊભા રહીને લોકોએ યોગાસનો કર્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુએ જબલપુરમાં કર્યા યોગ
રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલા ગેરીસન મેદાન ખાતે યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. બ્લુ કલરની મેટ પર સફેદ ડ્રેસ પહેરીને રાષ્ટ્રપતિએ વિવિધ યોગ મુદ્રાઓ કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ પણ જોડાયા હતા. સીએમ યાદવે કહ્યું કે, “વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂરા થવાની સાથે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છીએ, જે આપણા માટે મોટા સૌભાગ્યની વાત છે.”

પીએમ મોદી કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ પર હજારો લોકોની ભીડ સાથે યોગ કર્યા હતા. સફેદ ટી-શર્ટ અને પેન્ટ પહેરેલા પીએમ મોદી 40 મિનિટના આ સેશનમાં લોકોની વચ્ચે ફરતા પણ જોવા મળ્યા હતા. તેમણે જાતે લોકોના આસનો જોયા અને કેટલાકને સાચી મુદ્રા કરવા માટે મદદ પણ કરી.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ આર.એન. રવિ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી, દિલીપ ઘોષ અને અગ્નિમિત્રા પોલ સહિતના નેતાઓએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કોલકાતાના લોકોના ‘સ્વચ્છતાથી સ્વાગત’ અભિયાનના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે તેમના આ પ્રયાસોએ આખા દેશને પ્રેરણા આપી છે.
યોગથી જીવનમાં સંતુલન અને વૈશ્વિક શાંતિ
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કામ, ખોરાક અને ઊંઘમાં સંતુલન રાખવું એ જ દુઃખો દૂર કરવાની ચાવી છે. આધુનિક જીવનશૈલીમાં લોકો આ સંતુલન માટે સંઘર્ષ કરી રહ્યા છે, અને યોગ આપણને આ સંતુલન જાળવતા શીખવાડે છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે નથી, તે માનસિક શાંતિ આપીને વૈશ્વિક શાંતિનો માર્ગ પણ મોકળો કરે છે.

પીએમ મોદીનો ફિટનેસ ટાર્ગેટ: પીએમ મોદીએ ઉંમર વધવાની સાથે ફિટ રહેવાનો મંત્ર આપતા કહ્યું, “આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે આપણે 20 વર્ષની ઉંમર કરતા 40 વર્ષે વધુ ફ્લેક્સિબલ હોઈએ. 30 ની સરખામણીએ 50 વર્ષે આપણામાં વધારે એનર્જી હોવી જોઈએ. એટલું જ નહીં, 50 ની સરખામણીએ 70 વર્ષની ઉંમરે આપણે બીમારીઓ સામે વધુ મજબૂતીથી લડી શકવા જોઈએ. યોગ આ લક્ષ્ય હાંસલ કરવામાં આપણી મદદ કરશે.”

વિજયવાડામાં બાબા રામદેવ અને સીએમ નાયડુના યોગ
આંધ્રપ્રદેશના વિજયવાડામાં યોગ ગુરુ બાબા રામદેવે પણ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે યોગ કર્યા હતા. વર્ષ 2015 માં સંયુક્ત રાષ્ટ્ર (UNGA) દ્વારા 21 જૂનને યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી પીએમ મોદી નવી દિલ્હી, ચંદીગઢ, મૈસૂર, ન્યૂયોર્ક અને શ્રીનગર સહિત અનેક જગ્યાઓથી આ કાર્યક્રમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. આજે યોગ આખી દુનિયાનું સૌથી મોટું કમ્યુનિટી સેલિબ્રેશન બની ચૂક્યો છે.

અંતમાં પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે યોગને માત્ર કોઈ એક દિવસ કે ઇવેન્ટ પૂરતો સીમિત ન રાખતા, તેને પોતાની અને આવનારી પેઢીઓની રોજિંદી જિંદગીનો હિસ્સો બનાવો.











