‘પાણી રોકશો તો યુદ્ધ કરીશું’: સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ભારતને ખુલ્લી ધમકી

Indus Waters Treaty: સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાન રઘવાયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને સીધી યુદ્ધની ધમકી આપી છે. જાણો આ જળ વિવાદ અને ભારતનું આકરૂં વલણ.

નવી દિલ્હી, સોમવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતે આ સંધિ અંગે પોતાનું કડક અને જૂનું વલણ જાળવી રાખતા પાકિસ્તાન અકળાયું છે. પહેલા પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપી હતી, અને હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બેશરમીની હદ પાર કરતા ભારત સામે સીધી યુદ્ધની ગીદડ ભભકી ઉચ્ચારી છે. નવાઈની વાત એ છે કે, પાકિસ્તાન પોતે અત્યારે ઐતિહાસિક જળ સંકટનો સામનો કરી રહ્યું છે છતાં તેની આતંકી ભાષા બદલાતી નથી.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની પોકળ ધમકી
તાજેતરમાં એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારત પર નિશાન સાધ્યું હતું. તેમણે ખુલ્લી ધમકી આપતા કહ્યું કે પાણી એ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાનો ખૂબ જ મહત્વનો ભાગ છે. જો દેશની સુરક્ષા સામે કોઈ ખતરો ઊભો થશે, તો પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરતા સહેજ પણ અચકાશે નહીં. જો ભારત તરફથી આવતો પાણીનો પુરવઠો રોકવામાં આવશે અને ઇસ્લામાબાદને તેના પુરાવા મળશે, તો પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે.

પોતાની નિષ્ફળતાનો ટોપલો ભારત પર ઢોળવાનો પ્રયાસ
હાલમાં પાકિસ્તાનમાં પાણીની ભારે અછત છે, પરંતુ પોતાની સરકારની નિષ્ફળતા છુપાવવા ખ્વાજા આસિફે નવી દિલ્હી પર દોષ મઢ્યો છે. તેમણે ભારત પર પાણીને હથિયાર તરીકે વાપરવાનો અને ચિનાબ નદીના પ્રવાહમાં ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, તેમણે જાતે જ પોતાની મૂર્ખાઈ સાબિત કરતા કબૂલ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં થયેલા ડેવલપમેન્ટ વિશે તેમની પાસે કોઈ ચોક્કસ આંકડા કે માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા બાદ પાકિસ્તાનની કુલ વસ્તીના 1/3 લોકો ખાસ કરીને સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

પહલગામ હુમલા બાદ ભારતનો આકરો નિર્ણય
ભારતે પાણી રોકવાનું અને સંધિ સસ્પેન્ડ કરવાનું આ કડક પગલું કોઈ કારણ વગર નથી લીધું. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ આતંકી ઘટનામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટના પછી ભારતે લાલ આંખ કરી હતી અને 1960 ની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી. પાકિસ્તાન હવે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાના તમામ મંચો પર કરગરી રહ્યું છે, પરંતુ ભારત પોતાના નિર્ણય પર અડગ છે.

નવી દિલ્હીએ પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સંદેશ આપી દીધો છે કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે કોઈ નક્કર અને વિશ્વસનીય પગલાં નહીં લે, ત્યાં સુધી આ સંધિ સસ્પેન્ડ જ રહેશે. પાકિસ્તાને યુદ્ધની ધમકીઓ આપવાને બદલે પહેલા પોતાના દેશમાં આતંકવાદને રોકવા પર ધ્યાન આપવાની જરૂર છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!