ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: બિલ્ડર મકાન આપવામાં મોડું કરે તો પઝેશન લીધા પછી પણ મળશે વળતર, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

જો બિલ્ડર મકાનનો કબજો આપવામાં મોડું કરે, તો ગ્રાહક પઝેશન લીધા પછી પણ વિલંબ માટે વળતર માંગી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ નવો ચુકાદો ઘર ખરીદનારાઓ માટે મોટી રાહત છે. જાણો સંપૂર્ણ વિગત.

નવી દિલ્હી, રવિવાર
પોતાના સપનાનું ઘર ખરીદતા લાખો લોકો માટે સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી રાહત આપનારો ચુકાદો આપ્યો છે. જો તમે નવું મકાન ખરીદ્યું છે અને બિલ્ડરે તમને નક્કી કરેલા સમય મુજબ મકાનનો કબજો (પઝેશન) નથી આપ્યો, તો આ લેટેસ્ટ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો મકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક મકાનનું પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર (Compensation) માંગવા માટે પૂરેપૂરો હકદાર છે.

ગ્રાહકોને કેવી રીતે થશે ફાયદો?
હાલમાં રેરા અને ગ્રાહક સુરક્ષા ફોરમમાં એવા હજારો કેસ પેન્ડિંગ છે જેમાં ગ્રાહકોએ પૂરા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બિલ્ડરો મકાન સોંપતા નથી. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવા તમામ મકાન ખરીદનારાઓ અને પેન્ડિંગ કેસ લડી રહેલા લોકોને મોટી કાનૂની તાકાત આપશે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની મુખ્ય વાતો:
ચાવી મળવાથી અધિકાર ખતમ નથી થતો: કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર ફ્લેટની ચાવી મળી જવાના કારણે ગ્રાહકોનો વળતર મેળવવાનો કાયદાકીય અધિકાર ખતમ થઈ જતો નથી.

મોડા પઝેશન પર વળતર: જો કોઇ ગ્રાહકે ફ્લેટ ખરીદ્યો હોય અને બિલ્ડર નક્કી કરેલી સમય મર્યાદામાં મકાન ન આપે, તો મકાન મળ્યા પછી પણ ગ્રાહક અગાઉ થયેલા વિલંબ માટે વળતર માંગી શકે છે. આ તેમનો મૂળભૂત અધિકાર છે.

આર્બિટ્રેશન શરત હોવા છતાં ફરિયાદ શક્ય: જો બિલ્ડર સાથેના એગ્રીમેન્ટમાં આર્બિટ્રેશન (લવાદ) નો ઉલ્લેખ હોય, તો પણ ઘર ખરીદનાર ગ્રાહક પોતાના હક માટે ગ્રાહક કમિશનમાં જઈ શકે છે.

શું હતો સમગ્ર મામલો?
આ ઐતિહાસિક ચુકાદા પાછળ દિલ્હીની એક કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટીનો બે દાયકા જૂનો કેસ છે. એક ગ્રાહકે વર્ષ 2003 માં સોસાયટીનું સભ્યપદ લીધું હતું અને તેને એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. જોકે, બિલ્ડર દ્વારા નક્કી કરેલા સમયે ફ્લેટ સોંપવામાં આવ્યો ન હતો. આથી, કંટાળીને ગ્રાહકે વર્ષ 2005 માં ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ નોંધાવી અને ફ્લેટ સોંપવામાં થયેલા વિલંબ બદલ વળતરની માંગ કરી.

આ કેસ જિલ્લા ગ્રાહક કમિશનથી શરૂ થઈને આર્બિટ્રેશન અને ત્યારબાદ રાજ્ય કમિશન થઈને રાષ્ટ્રીય કમિશન સુધી પહોંચ્યો હતો. વર્ષ 2016 માં (એટલે કે ફરિયાદના 10 વર્ષ પછી) રાષ્ટ્રીય ગ્રાહક કમિશને ગ્રાહકની માંગ ફગાવી દીધી. તેમણે એવું તર્ક આપ્યું કે ગ્રાહકે કોઈપણ વિરોધ વગર ફ્લેટ સ્વીકારી લીધો છે, તેથી હવે તે ‘ગ્રાહક’ ગણાય નહીં.

સુપ્રીમ કોર્ટે 2016નો આદેશ રદ કર્યો
રાષ્ટ્રીય કમિશનના આ નિર્ણય સામે ગ્રાહકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2016 ના રાષ્ટ્રીય ગ્રાહક કમિશનના નિર્ણયને સંપૂર્ણપણે રદ કરી નાખ્યો છે. 20 વર્ષ જૂના આ લાંબા કાનૂની જંગમાં આખરે સુપ્રીમ કોર્ટે ગ્રાહકના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકના અધિકારોને આ રીતે છીનવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનો આ કડક નિર્ણય બિલ્ડરોની મનમાની પર લગામ લગાવશે. હવે બિલ્ડરો પઝેશન આપી દીધું છે તેવું બહાનું કાઢીને પોતાના વિલંબની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. ઘર ખરીદનારા સામાન્ય નાગરિકો માટે આ કાનૂની જીત ખૂબ જ મોટી સાબિત થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!