ગુજરાતમાં વરસાદના વિરામ બાદ ક્યારે શરૂ થશે નવો રાઉન્ડ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી અને કયા જિલ્લામાં છે વરસાદની ખેંચ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના માત્ર બે તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે હાલ વરસાદનું જોર ઘટ્યું છે.
હવામાન નિષ્ણાતોનું અનુમાન
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૧૭ જુલાઈ સુધી રાજ્યમાં વાતાવરણ યથાવત રહેશે અને ૧૫ જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં માત્ર હળવા વરસાદી ઝાપટાંની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ૨૭ થી ૩૦ જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો અને સક્રિય રાઉન્ડ આવશે, જે ઑગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે, જેનાથી નદી અને તળાવોમાં નવા નીર આવશે.
બીજી તરફ, નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી ગઈ હોવાથી વરસાદે વિરામ લીધો છે. તેમણે નોંધ્યું છે કે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પણ વાવણીલાયક વરસાદની ખેંચ છે. ૧૫ જુલાઈ પછી ૫ દિવસ હળવો વરસાદ અને ત્યારબાદ ૨૫ થી ૩૧ જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ, ૧૩ જુલાઈ સુધી રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદનું વાતાવરણ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયા ઝાપટાં પડી શકે છે. ૧૩ જુલાઈ બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જૂનના અંતથી શરૂ થયેલા આ ચોમાસામાં અત્યાર સુધી રાજ્યમાં મોસમી સરેરાશ ૨૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.











