રામ મંદિર દાન ચોરી કેસની તપાસ વચ્ચે કામના વધેલા ભાર અને સુરક્ષાના કડક નિયમોથી કંટાળીને ૨૦ કર્મચારીઓએ રાજીનામાં આપ્યા છે. હવે બાકી રહેલા કર્મચારીઓ સાથે ગણતરીની કામગીરી ચાલુ છે અને ટ્રસ્ટ નવી ડિજિટલ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

અયોધ્યા રામ મંદિરના દાન ચોરી મામલે પોલીસ અને SITની તપાસ વચ્ચે ટ્રસ્ટમાં એક મોટી વહીવટી ઉથલપાથલ સામે આવી છે. દાન ગણતરીની કામગીરીમાં જોડાયેલા 20 જેટલા કર્મચારીઓએ એકસાથે રાજીનામાં આપી દીધા છે, જેના કારણે મંદિર પરિસરમાં દાન ગણતરીની પ્રક્રિયા હાલ મર્યાદિત સ્ટાફ સાથે ચાલી રહી છે. રામ મંદિરમાં અગાઉ દાન ગણતરી માટે આશરે 40 કર્મચારીઓ કાર્યરત હતા, જેમાંથી 20 કર્મચારીઓએ રાજીનામું આપતા હવે માત્ર ૧૨ કર્મચારીઓ જ આ જવાબદારી સંભાળી રહ્યા છે. કર્મચારીઓના રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગણતરીની પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફારો, સુરક્ષા પ્રોટોકોલ અને વધેલો કાર્યભાર હોવાનું માનવામાં આવે છે.
કર્મચારીઓની ફરિયાદ છે કે અગાઉ ગણતરી બે શિફ્ટમાં થતી હતી, પરંતુ હવે કામ એક જ શિફ્ટમાં 9 થી 10 કલાક સુધી સતત ચાલુ રહે છે. આટલી મહેનત છતાં વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, તેમજ કામ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર થતાં તેમને મુશ્કેલી પડી રહી છે.
સુરક્ષા અને નવી ડિજિટલ વ્યવસ્થા
દાન ચોરીના કેસ બાદ સુરક્ષા વ્યવસ્થામાં ભારે કડકાઈ કરવામાં આવી છે. હવે કર્મચારીઓને અનેક રાઉન્ડની તપાસ બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવે છે. તેમને મોબાઈલ ફોન, પગરખાં અને કોઈપણ વ્યક્તિગત સામાન અંદર લઈ જવાની મનાઈ છે. મંદિર સંકુલમાં પ્રવેશતા પહેલા વિવિધ સુરક્ષા તપાસમાંથી પસાર થવું ફરજિયાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે મંદિર ટ્રસ્ટ આ સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે નવી ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.











