અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા બાદ ફરાર થયેલો કેદી સલાલ પુલ પાસે મળ્યો : ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગાંધીનગર LCB-2ની ટીમે ગોઠવી વોચ, કેદીને ઝડપી જેલ હવાલે કર્યો
ગાંધીનગર, શનિવાર : ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પેરોલ અને ફર્લો જમ્પ કરનાર તેમજ ફરાર આરોપીઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત ગાંધીનગર LCB-2ને વધુ એક મહત્વની સફળતા મળી છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ LCB-2ના PI કે.જે. રાઠોડની દેખરેખમાં વિશેષ કોમ્બિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન PSI બી.એચ. ઝાલાની પેરોલ-ફર્લો ટીમને ખાનગી બાતમી મળી હતી કે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થયેલો પાકા કામનો કેદી કમલેશ મહેશસિંહ ચૌહાણ હાલમાં પ્રાંતિજના સલાલ પુલ નીચે આવેલી અંબિકા દાળવડાની દુકાન પાસે હાજર છે.
બાતમીના આધારે ટીમે આયોજનબદ્ધ રીતે સ્થળ પર વોચ ગોઠવી હતી. કેદીની ઓળખની ખાતરી કર્યા બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
ઝડપાયેલ કેદી કમલેશ મહેશસિંહ ચૌહાણ (ઉંમર 35), કબોદરા ગામ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠાનો રહેવાસી છે. તે પાકા કામના કેદી નંબર બ/38452 તરીકે નોંધાયેલ છે અને પેરોલ રજા પરથી પરત ન ફરતા ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં PI કે.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI બી.એચ. ઝાલા સહિત કિરીટકુમાર જેઠાભાઈ, ઘનશ્યામસિંહ જુકુજી, એએસઆઈ દિલીપસિંહ બળદેવજી, આશિષસિંહ સર્વેશ્વરસિંહ, કરણસિંહ ચંદુજી અને રાજેન્દ્રસિંહ રામસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.











