પરંપરા કે પશુ ક્રૂરતા? જગન્નાથ રથયાત્રામાં હાથીઓના પગે બંધાયેલી સાંકળોએ જગાવ્યો કાયદાકીય વિવાદ!

અમદાવાદની રથયાત્રામાં હાથીઓને સાંકળે બાંધવા બદલ ઊઠ્યા સવાલ. વાઈલ્ડ લાઈફ એક્ટ અને એનિમલ ક્રૂઅલ્ટી એક્ટ હેઠળ થઈ શકે છે સજા.

વર્ષ 2025 માં 27 જૂનના રોજ નીકળેલી અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા દરમિયાન ખાડિયા નજીક એક અણધારી ઘટના ઘટી હતી. ભારે ઘોંઘાટના કારણે એક નર હાથી ભડક્યો હતો, જેની પાછળ અન્ય બે માદા હાથીઓ પણ દોડવા લાગ્યા હતા. જોકે, માદા હાથીઓની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં આવી હતી. આ ઘટનાના બરાબર એક વર્ષ બાદ, 16 જુલાઈ 2026ની રથયાત્રામાં એક નવો નજારો જોવા મળ્યો, જ્યાં સુરક્ષાના નામે હાથીઓને પગમાં જાડી સાંકળો બાંધીને ચલાવવામાં આવ્યા. આ તસવીરો સામે આવતા જ હવે એક નવો વિવાદ છેડાયો છે.

હાથીઓ ગુસ્સામાં નહોતા, પણ ડરેલા હતા!
નિષ્ણાતોના મતે વન્યજીવો પર થતી આ અસર પાછળ માનવીય ઉત્સાહ જવાબદાર છે. સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યા અને વૈશ્વિક સ્તરે હાથીઓના સંરક્ષણ માટે કાર્યરત ડો. જ્યોર્જ વિટમેયરે સ્પષ્ટ કર્યું છે કે પ્રાણીઓની સાંભળવાની શક્તિ મનુષ્યો કરતાં 6 ગણી વધારે હોય છે. રથયાત્રામાં વાગતા ડીજે અને ઢોલ-નગારાના અતિશય અવાજથી હાથીઓ ગુસ્સે નહોતા થયા, પરંતુ ડરેલા હતા. તેઓ માત્ર પોતાનો બચાવ કરવા સુરક્ષિત અને શાંત જગ્યા શોધવા દોડ્યા હતા, તેમનો ઈરાદો કોઈ માણસને નુકસાન પહોંચાડવાનો બિલકુલ નહોતો.

શ્રદ્ધાના ઓથ હેઠળ શારીરિક યાતના?
કહેવાય છે કે શ્રદ્ધા અને મનોરંજનના નામે અજાણતા જ મૂંગા પશુઓ પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવે છે. આ બાબતે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એશિયાઈ હાથી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act, 1972) ના શિડ્યુલ-1 હેઠળ આવતું સંરક્ષિત પ્રાણી છે. રથયાત્રા દરમિયાન ધોમધખતા ડામરના રોડ પર હાથીઓને કલાકો સુધી ચલાવવામાં આવ્યા. અમદાવાદ જેવા શહેરોમાં સખત ગરમીમાં ડામર એટલો ધગધગે છે કે હાથીના પગની નીચેની મુલાયમ ચામડી કોલસાની જેમ બળી જાય છે. તેથી તેમને સાંકળથી જકડી રાખવા એ સ્પષ્ટપણે ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. તેમણે આવી પરંપરાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની હિમાયત કરી છે.

કાયદાના ચોપડે કઈ સજાની છે જોગવાઈ?
નિવૃત્ત ડીસીએફ (DCF) સી.એમ.વરસાણીના જણાવ્યા અનુસાર આ મામલે બે મુખ્ય કાયદાઓ લાગુ પડે છે. પ્રથમ, ‘પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ એક્ટ-1960’ ની કલમ 11 (ચ) મુજબ કોઈ પ્રાણીને લાંબા સમય સુધી ભારે સાંકળોથી બાંધી રાખવું ગુનો છે, કારણ કે રથયાત્રામાં હાથીઓ સતત 15 કલાક સુધી બંધાયેલા રહ્યા હતા. બીજું, ‘વાઈલ્ડ Lાઈફ પ્રોટેક્શન એક્ટ-1972’ ની કલમ 51 અને 52 હેઠળ જો કોઈ સંરક્ષિત પ્રાણીને બંધનમાં રાખવામાં આવે, તો તે શિકાર સમાન ગુનો બને છે. આ કાયદાના ભંગ બદલ દોષિતોને 3 વર્ષ સુધીની જેલની સજા અથવા રૂ. 25000 સુધીનો દંડ કે બંને થઈ શકે છે.

રૂટ બદલવાનો સમય પાકી ગયો છે?
આ સમગ્ર વિવાદમાં સજાના બે પાસાં છે; ગુનો કરનાર મહાવતની સાથે સોપારી આપનાર સમાન મંદિર ટ્રસ્ટ પણ કાયદાના દાયરામાં આવે છે. જોકે, ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે નિષ્ણાતોએ એક વ્યવહારુ સૂચન કર્યું છે. રથયાત્રાના રૂટ તરીકે કોટ વિસ્તારની સાંકળી ગલીઓને બદલે નવા અમદાવાદના પહોળા રસ્તાઓનો ઉપયોગ કરવો જોઈએ. જો રસ્તા મોટા હશે તો હાથીઓને મોકળાશ મળશે, ભક્તો સુરક્ષિત રહેશે અને કોઈ કટોકટીના સમયે પશુઓને સરળતાથી કાબૂમાં લઈ શકાશે.

સંવેદનશીલ સરકાર સામે ‘હાથી જેવડો’ સવાલ
ગુજરાત સરકાર પોતાની સંવેદનશીલતા માટે જાણીતી છે. ભવિષ્યમાં મનુષ્યો પર હુમલો કરનારા 30 જેટલા સિંહોને સરકારે આજીવન પાંજરે પૂર્યા હતા કારણ કે ત્યાં પશુ દોષિત હતું. પરંતુ આ કિસ્સામાં માણસો દ્વારા હાથી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, એટલે કે અહીં માણસ ગુનેગારના કટેડામાં છે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ અને રાજ્ય સરકાર આ કાયદાકીય ઉલ્લંઘન સામે પોતાની સંવેદના બતાવીને કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી હંમેશની જેમ ‘જય જગન્નાથ’ કહીને મામલો થાળે પાડી દેવાય છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!