કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું છે, જે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ બિટ્ટુ અગાઉ રેલવે અને ખાદ્ય પ્રોસેસિંગ રાજ્ય મંત્રી તરીકે સેવા આપતા હતા.

કેન્દ્રીય રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ શુક્રવારે પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, રવનીત સિંહ બિટ્ટુ ભારત સરકારમાં રેલવે રાજ્ય મંત્રી અને ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ બેઅંત સિંહના પૌત્ર છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા તથા રાજ્યસભા સાંસદ છે.
કેવો રહ્યો રવનીત સિંહ બિટ્ટુનો પોલિટિકલ ગ્રાફ?
રવનીત સિંહ બિટ્ટુએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પાર્ટીમાંથી કરી હતી:
2009: પ્રથમ વખત આનંદપુર સાહિબ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા.
2014 અને 2019: પંજાબની હાઈપ્રોફાઈલ લુધિયાના સીટ પરથી સળંગ બે વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા.
2024માં ભાજપમાં પ્રવેશ અને હાર છતાં મંત્રીપદ
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં જ રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો હતો. ભાજપે તેમને લુધિયાના બેઠક પરથી કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વારિંગ સામે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. ચૂંટણી હારવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું અને રેલવે તથા ખાદ્ય પ્રોસેસિંગ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.










